નલિયામાં વાયુદળના કુકનો અકળ આપઘાત

૧૯૮૭થી નલિયા એરફોર્સમાં કુક તરીકે ફરજ બજાવતા કેરાલાના પ્રૌઢની આત્મહત્યા પાછળના કારણો જાણવા પોલીસે આદરી તપાસ

 

નલિયા : એરફોર્સ સ્ટેશનમાં રહેતા અને વાયુદળની મેસમાં કુક તરીકે ફરજ બજાવતા પ્રૌઢે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના તપાસનીશ પીએસઆઈ એસ.એ. મહેદુએ વિગતો આપતા જણાવેલ કે, આપઘાતનો બનાવ ગત રાત્રીના ૧૧ઃ૩૦થી આજે સવારના ૬ઃ૩૦ના અરસામાં બનવા પામ્યો હતો. ૧૯૮૭થી મેસમાં કુક તરીકે ફરજ બજાવતા મૂળ કેરાલાના સોમન નારાયાણ કિષ્ના નાયર (ઉ.વ. પ૧)એ કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. એરફોર્સમાં જ આવેલા રાધાક્રિષ્ના મંદિર પાછળ લીંબડાના ઝાડ પર જઈ પ્રથમ લીંબડાના ઝાડ સાથે બાંધી પોતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે લટકતો મૃતદેહ મળતાં વાયુદળના વોરંટ ઓફિસ સૂર્યકુમારે જાણ કરતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ અને હતભાગી પોતાના પરિવાર સાથે રહેતો હોઈ કેવા કારણોસર આપઘાત કરેલ છે. તે અંગેના કારણો સ્પષ્ટ થઈ શકેલ નથી. હતભાગીના આપઘાતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.