નલિયાની ગટર સમસ્યા ઉકેલવા પ્રાંત અધિકારી દ્વારા જાત મુલાકાત સાથે નલિયા સરપંચ સાથે બેઠક

એટીવીટી હેઠળ રૂા.૧૦ લાખ તથા રૂર્બન હેઠળ રૂા.૩પ લાખના ખર્ચે ગાંગરાઈ તલાવડીના બદલે અન્યત્ર સુએઝ પ્લાન્ટ માટે દરખાસ્ત મોકલવાનું નક્કી કરાયું

નલિયા : ખામીયુક્ત યોજનાના લીધે નલીયાની ગટર યોજના પુર્ણ ન થવા છતા અગાઉના સરપંચો દ્વારા તેને કમ્પલીશન સર્ટીફીકેટ આપી દેવામાં આવતા અને પાણીના સ્ત્રોત સમાન તલાવડીની અંદર ગટરના ગંદા પાણીનો સમ્પ બનાવવામાં આવતા કાયમી રીતે ખોડંગાતી ચાલતી નલીયાની ગટર યોજનાને પાટે ચડાવવા અબડાસા પ્રાંત અધિકારી દ્વારા પ્રયત્નો આદરાયા છે.નલિયાની ગટર યોજના શરૂ થઈ ત્યારથી જ ખોડંગાતી ચાલી આવે છે. અગાઉ સંચાલન મુદ્દે હાથ ઉંચા કરાયા બાદ હવે નલીયાના કાર્યશીલ સરપંચ શહેનાઝબેન સુમરા સાથે સમગ્ર ગ્રામ પંચાયત સભ્યો અને તલાટી રૂપસિંહ જાડેજા દ્વારા હિંમતભર્યો નિર્ણય લઈ ગટર યોજનાના નિભાવનું કામ નલીયા જુથ ગ્રામ પંચાયત હસ્તક લેવામાં આવતા ધીરે-ધીરે યોજનાની ગાડી પાટે ચડી છે પણ અનેક સમસ્યાઓ રહેલી છે.જે અંગે સરપંચ શહેનાઝબેન સુમરા તથા તલાટી દ્વારા ગામના વિકાસ કામો માટે સતત પ્રયત્શીલ રહેતા સામાજીક અગ્રણી છત્રસિંહ જાડેજાનો સંપર્ક સાધી ગટર સમસ્યાના સમાધાન માટે અપીલ કરવામાં આવી હતી.વરસો જુનો ગટરની મરંમત અને ગાંગરાઈ તલાવડીના સંપમાં ગટરના ગંદા પાણીના લીધે થતી સમસ્યાઓના લીધે તેને અન્યત્ર ખસેડવા છત્રસિંહ જાડેજા સમક્ષ રજુઆત થઈ હતી. જે અંગે છત્રસિંહ જાડેજા દ્વારા અબડાસાના સક્રિય પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતનો સંપર્ક કરી એટીવીટી ગ્રાંટ ગટરના મેન્ટેનેન્સ માટે મશીનરી ફાળવવા તેમજ ગટર ગાંગરાઈ તલાવડીના ગંદા પાણીના સમ્પ અન્યત્ર ખસેડવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત દ્વારા નલીયા જુથ ગ્રામ પંચાયતના સરપંચ શહેનાઝબેન સુમરા, તલાટી રૂપસિંહ જાડેજા તથા પદાધિકારીઓ સાથે બેઠક ગ્રામ પંચાયતમાં કરી હતી.આ ગટર યોજના સાથે અગાઉ સંકડાયેલા માર્ગ-મકાન (પંચાયત)ના ના.કા.ઈ.શ્રી સાંજા, તાલુકા વિકાસ અધિકારી જે.પી.ગોર, ના.કા.ઈ. નલીયા પાણી પુરવઠા એન.વી.પટેલ તથા સરપંચ-તલાટી અને છત્રસિંહ જાડેજા સહિતનાએ ગટરના ગાંગરાઈ તલાવડીના સમ્પ તથા નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.આ બાબતે છત્રસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ ગટર યોજનાના મરંમત માટે સંપુર્ણ એક્યુરેટ જેટ મશીનની જરૂતિયાત હોવાની રજુઆત થઈ હતી. જેનો અંદાજીત ખર્ચ રૂા.પ લાખ છે.તથા ગાંગરાઈ તલાવડીના ગટરના સમ્પનું પાણી ખાલી કરવા ર૦ હોર્સ પાવરની મોટર, ર પેનલ બોર્ડ, ર મોટર કાઢવા માટેની ચેન કપી મળી આશરે રૂા.પ લાખ મળી કુલ્લ રૂા.૧૦ લાખ એટીવીટી હેઠળ ગ્રાંટ ફાળવવા રજુઆત પ્રાંત અધિકારીશ્રી જેતાવતને કરવામાં આવી હતી.જેનો શ્રી જેતાવત દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.નલીયાની ગટરના ગંદા પાણી હાલ ગાંગરાઈ તલાવડીમાં સમ્પમાંથી ખાલી થાય છે તેને ત્યાંથી દુર કરી ગ્રેવીટીથી પાણી ત્યાંથી દુર દોઢેક કી.મી.ના અંતરે આવેલ ગટરના પોન્ડમાં સીધ જાય તે માટે અંદાજીત રૂા.૩પ લાખ જેટલી રકમના ફંડની જોગવાઈની જરૂરત હોઈ રૂર્બન હેઠળ ગ્રાંટ ફાળવાય તો સમસ્યા કાયમી રીતે ઉકેલી શકાય અને ૧પ હજારની વસતીને ફાયદો મળે.આ કામ પાણી પુરવઠા દ્વારા ડીપોઝીટ વર્કમાં કરી શકાશે તેવી બાંહેધરી અપાઈ હતી.રૂર્બન અંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રીને દરખાસ્ત સહિતની સુચના ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાન પ્રાંત અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી હતી.પ્રાંત અધિકારી દ્વારા આ અંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રીનું ધ્યાન દોરવાની ખાતરી આપવામાં આવી હતી.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે પણ રજુઆત કરવામાં આવી હતી જે અંગે ઘટતું કરવા પ્રાંત અધિકારીશ્રી દ્વારા જણાવાયું હતું.આમ નલિયાની ૧પ હજારની વસતીને ગટર સમસ્યાથી છુટકારો અપાવવા વર્તમાન સરપંચ, તલાટી સાથે સામાજીક અગ્રણી છત્રસિંહ જીવણજી જાડેજા દ્વારા અબડાસાના સતત જાગૃત અને સક્રિય પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત સમક્ષ રજુઆત કરાતા તેના સકારાત્મક પરિણામ મળ્યા છે અને ગટર યોજનાની ગાડી પાટે ચડવા સાથે ગાંગરાઈ તલાવડીને પણ ગટરના ગંદા પાણીમાંથી મુક્તિ મળવાની શક્યતા ઉભી થતા તે વિસ્તારના રહેવાસીઓને સતત દુર્ગંધથી છુટકારા સાથે ગટરના ગંદા પાણીથી ગાયોના મરણના બનતા બનાવો અટકવા સાથે જાહેર આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.