નલિયાના સહાયક ફોજદારના નિધનથી પોલીસ બેડામાં ગમગીની

ગત રાત્રીના અચાનક હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમ્યાન ભુજ જી.કે.માં લીધા અંતિમ શ્વાસ : પરિવારજનોમાં અરેરાટી : આખરી ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ કરાઈ દફનવિધિ

 

ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં નલીયા પોલીસ મથકે ફરજ બજાવતા સહાયક ફોજદારનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં પરિવારજનો તથા પોલીસબેડામાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નલીયા પોલીસ મથકે રાઈટર હેડ તરીકે ફરજ બજાવતા સહાયક ફોજદાર યાસીનભાઈ સાલેમામદભાઈ સીદી (ઉ.વ.પ૩) ગત રાત્રીના દસેક વાગ્યે નલીયા પોલીસ કવાર્ટસમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને નલીયા પીએસઆઈ કે. એમ. અગ્રાવત સહિતના સ્ટાફે તાબડતોબ ભુજ જનરલમાં સારવાર માટે લવાયા હતા. જયાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી. અંજાર તાલુકાના વીડી બગીચા પાસે રહેતા યાસીનભાઈ ૧૯૮૬ની સાલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા અને હાલે નલીયા પોલીસ મથકે રાઈટર હેડ તરીકે ફરજ બજાવતા હસમુખો અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા યાસીનભાઈનું અકાળે મોત થતા પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકનુ મોજું છવાઈ ગયું છે. હતભાગીના નિવાસસ્થાન વીડી બગીચા ખાતે હતભાગીને આખરી ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ દફનવીધી કરાઈ હતી.