નલિયાના મકાન માલિકો માટે અચ્છે દિનની શરૂઆત

ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, સંરક્ષણ દળના જવાનો વગેરેના આગમનથી સોસાયટી વિસ્તારમાં ભાડા ૬-૭ હજારે પહોંચ્યા : સ્થાનિક વેપારીઓના વેપારમાં પણ તેજીનો કરંટ

 

નલિયા : હાલ અબડાસામાં જમીનોનો સટ્ટો ભલે તુટી ગયો હોય પણ મકાન માલીકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે.
સુત્રોમાંથી મળતી માહીતી મુજબ અબડાસામાં જમીનોના વેપારમાં સટ્ટો હતો તે હવે ખતમ થઈ જતા કાચી જમીનોના ભાવ અને ખેતીની જમીનોના ભાવ ભલે તુટયા હોય પણ સ્થાનિક તાલુકાના મુખ્ય મથકે મિલ્કતોના ભાડા વિવીધ બાબતોને લઈ વધતા મકાન માલીકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે.નલીયાના સોસાયટી વિસ્તારની વાત કરીએ તો એક બેડરૂમ અને હોલ કીચન સાથેના મકાનોના ભાડા અગાઉ ૩ હજારની અંદર બે વર્ષ અગાઉ હતા.પરંતુ હાલ ખાનગી કંપનીઓ વર્દરાજ સિમેન્ટ, સુઝલોન, અદાણી પાવર બિટ્ટા, જખૌ સોલ્ટ, સુઝલોન સાથે નવી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ રહેણાંક માટે નલીયાને પસંદ કરતા હોઈ નલીયામાં મકાન ભાડે આપનારાઓ માટે સારા દિવસો આવ્યા છે.તે ઉપરાંત સંરક્ષણ દળોના જવાનદ જેમને હજુ સુધી તેમના ક્વાર્ટર મળ્યા નથી તેઓ પણ નલીયામાં ખાનગી મકાનોમાં ભાડે રહેતા હોઈ નલીયામાં ભાડે મકાન લેવા માટે રીતસરની લાવ-લાવ થઈ રહી છે.સોસાયટી વિસ્તારમાં ભાડા ૬-૭ હજાર મહિનાના થઈ ગયા છે અને ગામની અંદર જુના મકાનોના ભાડા પણ ૩૦૦૦-૩પ૦૦ ની આસપાસ પહોંચી ગયા છે.આમ મિલ્કતધારકો માટે તેમની મિલ્કતો આવકનું સાધન બની ગઈ છે.
આમ નલીયાની વસતીમાં વધારો થવાનો સીધો ફાયદો નલીયાની સ્થાનિક વેપારી આલમને પણ થયો છે.અનાજ-રસકસ સાથે જીવનજરૂરી ચીજ વસ્તુઓના વેપારીઓ, કાપડ અને અન્ય ધંધાર્થીઓને પણ વેપારમાં તેજીનો કરંટ દેખાઈ રહ્યો છે.સ્થાનિક બજારમાં તેના લીધે દુકાનોના ભાડા પણ વધ્યા છે અને નવા કોમ્પલેક્ષોમાં તો મહીનાના ૧પ હજાર સુધી ભાડે દુકાનો અપાઈ રહી છે આમ નલીયાની સ્થાનિક પ્રજાને ધંધા વેપારમાં ફાયદો થવા સાથે મિલ્કતધારકો માટે પણ અચ્છે દિનની શરૂઆત થતા છેવાડાના તાલુકાનું મુખ્ય મથક ધમધમી રહ્યું છે.