નર્મદા યોજના હજુ અધુરી છે : પૂર્વ સીએમ સુરેશ મહેતાનો સીધો આક્ષેપ

અમદાવાદ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે નર્મદા યોજનાને દેશને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ ગઈકાલે સરકારી નોંધ અને રેકોર્ડ દર્શાવીને દાવો કરીને આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારે નર્મદા યોજનામાં ૧૮,૦૦૦ કરતા વધારે કિલોમીટર નહેરોની લંબાઈ ઘટાડી છે. ચૂંટણીના પ્રચાર માટે સરકાર નર્મદા મહોત્સવ ઉજવી રહી છે અને હેતુપૂર્વક ખેડૂતો સાથે ગુનો આચરે છે.સુરેશ મહેતાએ નર્મદા યોજનાની વિગતો આપતા કહ્યુ હતુ કે ‘મૂળ દસ્તાવેજો અને આયોજન મુજબ નર્મદા યોજનામાં નહેરોની કુલ લંબાઈ ૯૦,૩૮૯ કિલોમીટર હતી. એમાં ૪૫૮ કિલોમીટર મુખ્ય નહેરનો અને ૮૯,૯૩૧ કિલોમીટર અન્ય નહેરોનો સમાવેશ થતો હતો એમ કેગનો અહેવાલ કહે છે. વિધાનસભામાં અપાયેલા એક જવાબ મુજબ રાજ્ય સરકારે નહેરોની લંબાઈ ઘટાડીને ૮૫,૮૯૮ કિલોમીટરની કરી હતી. ફરી એકવાર એમા ઘટાડો કરવામાં આવ્યો અને જૂન ૨૦૧૭ના નર્મદા યોજનાના સરકારી પ્રગતિ-અહેવાલ અનુસાર નહેરોની લંબાઈ ઘટાડીને ૭૧,૭૪૮ કિલોમીટર કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારે આશરે ૧૮,૦૦૦ કરતા વધારે કિલોમીટર નહેરોની લંબાઈ ઘટાડી છે. જૂન ૨૦૧૭ના ગુજરાત સરકારના પ્રગતિ-અહેવાલ અનુસાર ૨૨,૬૭૭ કિલોમીટરની નહેરો બાંધવાનું કામ બાકી છે.’મૂળ આયોજન પ્રમાણે નર્મદા યોજનાનો કુલ ખર્ચ આશરે ૬૦૦૦ કરોડ  રૂપિયા અંદાજવામાં આવ્યો હતો, પણ ઓકટોબર ૨૦૧૬ સુધીમાં ૫૬,૨૮૬ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. જો કે મુંબઈની તાતા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સિસ દ્વારા ૨૦૧૨માં નર્મદા યોજનાનો ખર્ચ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા થશે એવો અંદાજ મુકવામાં આવ્યો હતો.આક્ષેપ કરતા સુરેશ મહેતાએ કહ્યું હતુ કે, ‘ગુજરાત સરકાર નર્મદા યોજના વિશે ગુનાહીત રીતે બેદરકારી રહી છે. નર્મદા મહોત્સવ ઉજવવો હોય તો ખેડૂતોના ખેતરો સુધી  પાણી પહોંચાડો. આ મહોત્સવ માત્ર રાજકીય લાભ ખાટવા સિવાય બીજું કશું નથી.’