નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં જિલ્લા ભાજપ સંગઠન સરકારને મળી રજૂઆત કરે તે માટે સૂચન કરાયું

ભુજ : કચ્છને નર્મદાના વધારાના એક મિલિયન એકર ફિટ પાણી આપવામાં આવશે તેવા વચનો અને આશ્વાસન વર્ષોથી નેતાઓ અને સરકાર આપી રહી છે, પરંતુ આ પ્રશ્નનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમજ નજીકના ભવિષ્યમા તેનો ઉકેલ આવે તેવા કોઈ અણસાર પણ નથી ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં જિલ્લા ભાજપ સંગઠન સરકારને મળી આ બાબતે ધારદાર રજૂઆત કરે તે માટે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ શંભુદાન ગઢવી દ્વારા સૂચન કરાયું છે. જાે આ પ્રશ્નની સતત અવગણના થતી રહેશે તો ભાજપ અને સરકારને કચ્છવાસીઓની નારાજગીનો ભોગ બનવાનો વારો આવશે. પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ કચ્છને નર્મદા સહિતના થતા અન્યાય બાબતે ખુલીને સામે આવ્યા બાદ હવે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ પણ કચ્છને થતા અન્યાય બાબતે ચૂપકીદી સેવી સરકાર સામે બાંયો ચડાવી છે ત્યારે ભવિષ્યમાં તેની કેવી અસરો આવે છે તે સમય બતાવશે.
પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈએ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાનું પ્રાણ પ્રશ્ન નર્મદાના વધારાના પાણી માટે અગણીત વખત રજૂઆતો કરાઈ છે. તેના પ્રત્યુત્તરમાં વર્તમાન અને ગત રાજ્ય સરકાર દ્વારા અગણીત વખત આશ્વાસનો અપાયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં આજ દિન સુધીમાં પ્રશ્ન ઉકેલાયો નથી. તેમજ નજીકના ભવિષ્યમાં તેનો ઉકેલ થવાની પ્રતીતી નથી. જેથી આ પ્રશ્નના ઉકેલ માટે છેવટના ઉપાય તરીકે કચ્છ ભાજપ સંગઠન અને આગેવાનોની પ્રતિનિધિ મંડળ પ્રદેશ ભાજપના પ્રમુખની આગેવાનીમાં ગુજરાત સરકારને મળી રજૂઆત કરે તેવું સૂચન કરાયું છે. પ્રદેશ પ્રમુખ પણ આ માટે ઝડપથી આયોજન ગોઠવે તે જરૂરી છે. આ પ્રશ્ન કચ્છ માટે ઘણો અગત્યનો છે. નર્મદાના વધારાના પાણી કચ્છને મળે તો કચ્છનો વિકાસ હાલે છે. તેનાથી વધુ થઈ શકે તેમ છે, પરંતુ એટલું કહી શકાય કે, આ પ્રશ્ન વધુ વણઉકેલાયેલો રહેશે તો ભાજપ અને સરકારને કચ્છવાસીઓની નારાજગીનું ભોગ બનવાનો વારો આવી શકે છે. જેથી નારાજગીનું ભોગ ન બનવું તે માટે ઝડપથી પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગણી કરાઈ છે. નોંધનીય છે કે, પ્રદેશ ભાજપની કારોબારીમાં પણ આ પ્રશ્ન રજૂ કરાયો હતો.