નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના તોતીંગ દરવાજા ચોરાયા

દરવાજાની ચોરી બાબતે કોન્ટ્રાકટરની જવાબદારીનું રટણ કરતાં અધિકારી

ભુજ : કચ્છનું નર્મદા પાણીનું પ્રશ્ન હોય કે તેની કેનાલના પ્રશ્ન હોય કચ્છને હંમેશા અન્યાય કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના દરવાજા ચોરી થયાની વાત બહાર આવી છે. કચ્છ આવતું નર્મદાનું પાણી પહેલા ચોરાતું હતુ હવે તેના દરવાજાએ ચોરાવા માંડયા છે.

જાણવા મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાનાં સાતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટે  બનાવવામાં આવેલ દરવાજા ચોરાઈ ગયાની ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે. ચોરીની ઘટના બાબતે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવાનું જણાવી નર્મદાના અધિકારીઓએ પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી. સાતલપુર તાલુકામાં આવેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટે બનાવવામાં આવેલા દરવાજા રાતોરાત ચોરી કરી લઇ જવાની ઘટના સામે આવી હતી.

કચ્છ બ્રાન્ચ કેનાલમા પાણી બંધ કરવા નિગમ દ્વારા બનાવવામાં આવેલ વધારાના દરવાજા (સ્કો બ્લોક) અલગ અલગ જગ્યાએથી સાતથી આઠ જેટલા ચોરી થયા હતા. કેનાલોની જાળવણી સુરક્ષા ગેટમેન રાખવાનો વાષક કોન્ટ્રાક સર્જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને આપવામાં આવેલ છે પરંતુ આ એજન્સી દ્વારા રાધનપુર નર્મદા નિગમના અધિકારીના મળતીયા સ્થાનિક વચેટિયાને ટકાવારી લઈ કામગીરી સોંપી દેવામાં આવેલ છે.

અધિકારીઓના મળતીયા દ્વારા ગેટમેન માત્ર કાગળો પર રાખવામાં આવતા હોવાને કારણે લાખ્ખો રૃપિયાના દરવાજાની ચોરી થવા પામી છે.મુખ્ય કેનાલમાં પાણી બંધ કરવા માટે બનાવવામાં આવેલા એક દરવાજા નું વજન લગભગ બે ટન જેટલું હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ બ્રાન્ચ કેનાલ પરથી દરવાજાની થયેલ ચોરી બાબતે નર્મદા નિગમના અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ પરથી ૭થી ૮ દરવાજા ચોરી થયાની ઘટનાને ચારેક દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક તર્કર્વિતક સર્જાયા છે.

આ બાબતે નર્મદા નિગમના અધિકારી કચ્છ જિલ્લા માટે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટે  બનાવવામાં આવેલા સાતથી આઠ દરવાજાઓની ચોરી થયાનું માલુમ પડતા સર્જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને લેખિત જાણ કરવામાં આવેલ છે જવાબદારી એજન્સીની છે અમે એજન્સીને લેખિત જાણ કરેલ છે પોલીસ ફરિયાદ એજન્સીને કરવાની રહે છે તેવું નિગમના અધિકારી જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કોઈ પણ વસ્તુનું ચોરી થાય તો સરકારી એજન્સી ફરિયાદ કરે નહિ કે કોન્ટ્રાકટ અહી નિગમ પોતાની જવાબદારી છુટવા માંગતી હોય તેવી ચર્ચા આરંભાઈ છે. કોન્ટ્રાક્ટર અને નિગમના અધિકારીઓ પર શંકાની સોય તકાઈ રહી છે અગાઉ પણ માટીકામ નું ખોટું બિલ બનાવી નિગમના અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને વધુ નાણાં ચૂકવ્યા હતા જેનો ભાંડો ફૂટતા કોન્ટ્રાક્ટર પાસેથી નાણાં વસુલવાનું નાટક ભજવાયું હતું દરવાજાની ચોરીની ઘટનામાં પણ નિગમના અધિકારીએ  કોન્ટ્રાકટર ને માત્ર જાણ કરી ભીનું સંકેલવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે