નરેશ પટેલ સરકાર સાથે કોઈ બેઠક નહીં કરે

પાટીદારોનું આજે મહેસાણા બંધનું એલાન

 

અમદાવાદ : ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે, એવી માહિતી મળી છે કે નરેશ પટેલ આજે રાજકોટમાં જ રહેશે. તેઓ સરકાર સાથે કોઈ જ બેઠકમાં ભાગ નહીં લે. એવી માહિતી મળી છે કે હાર્દિક પટેલ સ્વસ્થ થયા બાદ જ સરકાર સાથે કોઈ ચર્ચા થશે. આ દરમિયાન પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો વચ્ચે બેઠકનો દોર ચાલુ રહેશે. નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે હાર્દિક પટેલને ઉપવાસ તોડી નાખવા માટે સમજાવ્યો હતો. તેમજ ત્રણ માગણીને લઈને હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જે બાદમાં પત્રકાર પરિષદ કરીને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો સાથે મળીને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવાની વિનંતી કરી છે. નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ આગામી એક બે દિવસમાં ખોડલધામ અને ઉમાધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરશે અને બાદમાં આ સંયુક્ત રીતે સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. મુલાકાત દરમિયાન પાસના મનોજ પનારા પણ હાજર રહ્યા હતા. મુલાકાત અંગે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું કે, “તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે. હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો. ૧૪ દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.