નરેશના બફાટ સામે રાજકારણ તેજ

જયા બચ્ચન મામલે સપામાંથી ભાજપમાં આવેલા અગ્રવાલે કરેલ ટીપ્પણી સામે વિવીધ અગ્રણીઓએ વખોડયુ : સુષ્મા સ્વરાજ-સ્મૃતી ઈરાની, અખિલેશ યાદવ સહીતનાઓએ આપી તીખી પ્રતીક્રીયા : નરેશે વ્યકત કર્યો ખેદ-માફી માંગવાનો ઈન્કાર

 

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલની નવી ઇનિંગ્સની શરૂઆત સારી રહી નથી. ભાજપમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલે કંઇક એવું નિવેદન આપ્યું કે દરેક લોકોના નિશાન પર આવી ગયા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નરેશ અગ્રવાલના નિવેદન નિંદા કરી છે અને ભાજપને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મંગળવારે સવારે અખિલેશ યાદવે ટ્‌વીટ કરી જયા બચ્ચનજી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જો ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૂદ્ઘ પગલાં ઉઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઇએ.’ સોમવાર સાંજે ભાજપમાં સામેલ થતાં નરેશ અગ્રવાલ જયારે મીડિયા સામે બોલતા હતાં ત્યારે ઇશારોમાં તેમણે જયા બચ્ચન પર જે ટિપ્પણી કરી તેના પર વિવાદ થયો. નરેશ અગ્રવાલે કહ્યું કે ડાન્સ કરનારાઓના લીધે સપામાં મારી રાજયસભાની ટિકિટ કપાઇ. તેમના આ નિવેદનથી પાર્ટી માટે થોડીક વાર માટે અસહજ સ્થિતિ થઇ ગઇ. નરેશ અગ્રવાલના નિવેદનના થોડીક જ વારમાં વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે નરેશ અગ્રવાલના નિવેદન પર નારાજગી વ્યકત કરી હતી.