નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતે સરકારી તિજારીને માર્યો ૧પ.૮૩ કરોડનો ધુમ્બો : રમેશભાઈ જોષી

ગુજરાત લડાયક મંચના પ્રમુખે આરટીઆઈ હેઠળ મેળવેલ માહિતીના આધારે કર્યો ખૂલાસો : રર-પના વડાપ્રધાન આવ્યા હતા સરહદી જિલ્લાની મુલાકાતે

ભુજ : વિકાસના નામે મતો મેળવી સત્તા સ્થાને બિરાજમાન ભાજપના મોવડીઓ પ્રજાના રૂપિયાનો ખર્ચ કરી રચ્યા-પચ્યા રહેતા હોય છે ત્યારે કચ્છમાં નર્મદા નીરના વધામણાના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમો થકી સરકારી તિજારીને ૧પ.૮૩ કરોડનો ધુમ્બો માર્યો હોવાનો ખૂલાસો ગુજરાત લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોષીએ કર્યો છે.
ગુજરાત લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોષીએ રર-પ-૧૭ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલ કચ્છ મુલાકાન દરમ્યાન એસટી બસોના ભાડા, કચ્છમાં યોજાયેલ જનસભા થકી થયેલ ખર્ચ, કાર્યક્રમનું આયોજન કોણે કર્યું, સ્ટેજ, મંડપ, લાઈટ, ડેકોરેશન, ખુરશીઓ વિગેરે પાછળ કેટલો ખર્ચ થયો હતો તેની માહિતી આરટીઆઈ હેઠળ માંગેલ હતી. જેના અનુસંધાને કચ્છ શાખા નહેર વર્તુળ નં.ર ગાંધીધામના જાહેર માહિતી અધિકારી અને અધિક્ષક ઈજનેર બી. શ્રીનિવાસને પુરી પાડેલ માહિતીને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા અને હવે જ્યારે દેશના વડાપ્રધાન છે ત્યારે પણ પ્રજાના પૈસે ખર્ચાઓ કરવામાં જ વ્યસ્ત છે.
નર્મદા નીરના વધામણાના બહાને નરેન્દ્ર મોદીએ રર-પ-ર૦૧૭ના કચ્છની મુલાકાત લીધી હતી. જે દરમ્યાન તેઓએ કચ્છ અને કચ્છી પ્રજાના પ્રશ્નો સાંભળવા તેના નિરાકરણ કરવાના બદલે જાહેરસભા યોજી નર્મદાના નીરના નામે કચ્છી પ્રજાને ‘મુંગેરી લાલ કે હસીન સપને’ દેખાડી ખોટી ગુલબાંગો ફેંકી તાગડધીન્ના કર્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાનની સભામાં જનમેદની એકઠી કરવા વર્ષોથી ચાલી આવતી ભાજપની પરંપરા અનુસાર એસટી બસો ભાડે રાખવામાં આવી હતી. જેના ભાડા પેટે રૂ.૩,૬૪,૧ર,૭૦પ ચૂકવવામાં આવ્યા છે, તો યોજાયેલ જનસભામાં ૧ર,૦૮,૪૩,૯૭પનો ખર્ચ થયો હતો. જે પૈકીની રૂ.૭,પર,૪૦,૮૭પની રકમ ચૂકવી દેવામાં આવી છે. જ્યારે રૂ.૪,પ૬,૦ર,૯ર૦ની રકમ ચૂકવવાની બાકી છે, તો સ્ટેજ, મંડપ, લાઈટ, ડેકોરેશન, ખુરશીઓ વિગેરે પાછળ રૂ.૧૧,૩૬,ર૦૩નો ખર્ચ થયો હોઈ નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતથી સરકારી તિજારીને કુલ રૂ.૧પ,૮૩,૯ર,૭૦૩નો ધુમ્બો લાગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.