નદીના પાણી મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો વર્લ્ડ બૅન્ક પહોંચ્યો

નવી દિલ્હી : પાકિસ્તાન બન્યું તે સમયે જમીનના ભાગલા પડ્‌યા હતા પણ પાણીના નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે નદીના પાણીના વપરાશ મુદ્દે તકરાર વર્ષ ૧૯૬૦ સુધી ચાલી હતી. પણ આખરે વર્લ્ડ બૅન્કની મધ્યસ્થીથી બન્ને દેશો વચ્ચે સિંધ-તાસ સમજૂતી પર હસ્તાક્ષર થયા. આથી એવું લાગ્યું કે હવે બન્ને દેશો વચ્ચે પાણીને લઈને કોઈ વિવાદ, તકરાર નહીં થાય. ત્યાર પછી બન્ને દેશ વચ્ચે બે મોટાં યુદ્ધ થયાં અને કેટલીક વાર યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ.
આ તમામ બાબતો છતાં આ સમજૂતી પર કોઈ આંચ નહીં આવી. જોકે, તાજેતરમાં ફરી આ મામલે ખટરાગ સર્જાતા બન્ને દેશો વર્લ્ડ બૅન્ક તરફ વળ્યા છે.સિંધ-તાસ સમજૂતી હેઠળ એ વાત પર સમજૂતી થઈ હતી કે ‘સિંધુ બેસિન’ની છ નદી અને તેની સહાયક નદીઓનું પાણી કોણ અને કેવી રીતે વાપરશે. ભારતે વર્ષ ૨૦૦૫માં આ નદી પર લાઇન ઑફ કંટ્રોલની એકદમ નજીક એક પાવરસ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી. તેને કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કહે છે.
કિશનગંગા ઝેલમની સહાયક નદી છે આથી તેના પાણી પર પાકિસ્તાનનો હક છે.આ પ્રોજેક્ટ પર ભારતે છ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે.આ પ્રોજેક્ટ ભારત પ્રશાસિત કાશ્મીરની ગુરેજ વાદીથી કાશ્મીરમાં બાંદીપોરા સુધી ફેલાયેલો છે. આ માટે કિશનગંગાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ પાણીને એક અલગ રસ્તેથી ઉપયોગ કરીને, જેના માટે બાંદીપોરા સુધી ૨૪ કિલોમીટર લાંબી સુરંગ બનાવવામાં આવી છે, તેમાંથી વુલર તળાવમાં છોડી દેવામાં આવે છે.