નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીએ બીજા માળેથી કુદી આપઘાત કર્યો

(જી.એન.એસ)નડિયાદ,સમગ્ર રાજ્યમાં એક બાજુ કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. રસીકરણ અભિયાન તેજ બનતાં હવે આ રોગ સામે લડવા આપણે સૌ સક્ષમ છીએ. આવી સ્થિતિ વચ્ચે આ રોગ થતાં અમુક લોકો જીંદગીથી હારી જાય છે અને સાજા થવાની પણ ઉમ્મીદ છોડી દે છે. ખાસ કરીને મધ્યમવર્ગીય લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે અને તણાવમાં આવી જતાં હોય છે કે મારુ હવે શુ થશે? મારા પરિવારનું શુ થશે? જેવી ચિંતાઓ સતાવે છે. નડિયાદમાં સવા મહિનાની અંદર કોરોના દર્દીના આપઘાત બે બનાવો બન્યા છે. જેમાંથી એકનો પ્રયાસ હતો. જ્યારે આજે વધુ એક મધ્યમ વર્ગના પરિવારના મોભીએ કોરોનાની બીમારીથી કંટાળી જઈ આત્મઘાતી પગલું ભર્યું છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આધેડ વયના કોરોનાગ્રસ્ત દર્દીએ બીજા માળની બારીએથી કુદી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા તાબેના સરદારપુરા ગામે રહેતા ૫૨ વર્ષીય વિજયસિંહ છગનભાઈ ભોજાણીએ ગતરાત્રે નડિયાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડની બારીએથી કુદી આપઘાત કર્યો છે. મધ્યમવર્ગીય પરિવારના મોભી વિજયસિંહ પોતે ખેતીકામ કરતાં હતાં. તેમને એક દિકરો અને બે દિકરીઓ છે જે તમામના લગ્ન થઈ ગયા છે. વિજયસિંહ છેલ્લા પખવાડિયાથી કોરોના સંક્રમિત બન્યા હતા. તેઓ છેલ્લા ૧૦ એક દિવસથી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અહીંયા બીજા માળે આવેલ આઇસોલેશન વોર્ડમાં વિજયસિંહની સારવાર ચાલી રહી હતી. તબીબો યોગ્ય નિદાન કરી જરૂરી ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા.
ગતરાત્રે વિજયસિંહે તકનો લાભ લઈ આઇસોલેશન વોર્ડની બારીએ આવ્યા હતા. જ્યાંથી એકાએક નીચે તરફ મોતની છલાંગ લગાવી દીધી હતી. નીચે પટકાયેલા વિજયસિંહેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલનો સ્ટાફ તેમજ અન્ય લોકોએ તેમને તુરંત સારવાર માટે લઈ ગયા પરંતુ તેઓ બચી શક્યા નહોતા. આ અંગે ડોક્ટરની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.