પીજીવીસીએલના અધિકારીઓને સાચવવાની સારી આવડત ધરાવતા કોન્ટ્રાકટરોના ગોડાઉનોમાંથી વાયર, સ્વીચના વધુ જથ્થાની સાથે ડીપીઓ પણ મળી આવી હોવાની વહેતી થયેલી વાત : નડાપા સીમમાંથી વીજચોરી ઝડપાયા બાદ ખુદ સ્થાનિક અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ હતી ચેકિંગ

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છમાં વીજચોરીના દૂષણને ડામવા માટે અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા હોવા છતાં કોઈ જ સફળતા મળી રહી નથી, જે પછવાડે વીજતંત્રના ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓની સાંઠગાંઠ જવાબદાર છે. વીજચોરીની પ્રવૃત્તિ દ્વારા એકતરફ પીજીવીસીએલની તિજોરીને દર વર્ષે કરોડોનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. જયારે બીજી તરફ આ પ્રવૃત્તિ થકી અધિકારી – કર્મચારીઓના બેંક બેલેન્સ તગડા બની રહ્યા છે. વીજચોરીની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં પીજીવીસીએલના કેટલાક કોન્ટ્રાકટરોની ભુંડી ભૂમિકા છે. નડાપા વીજચોરી પ્રકરણ ઝડપાયા બાદ કેટલાક કોન્ટ્રાકટરો પાસેથી વધુ માલ સમાનનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગે ખુદ વીજ કર્મીઓ પણ કબૂલાત કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ નકારમાં જ માથુ ધુણાવી સબ સલામતની વાત ઉચારી રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ નડાપા સીમમાં કંપની દ્વારા લાંબા સમયથી વીજચોરીની પ્રવૃત્તિ આચરવામાં આવી રહી હતી. પીજીવીસીએલના જ પલળેલા અધિકારી – કર્મચારીઓએ કંપની માલિકને વીજચોરી માટેનો રસ્તો બનાવી આપ્યો હોય તેમ ૧ર થાંભલા, વીજ વાયરો સહિતની વસ્તુઓ પણ પુરી પડાઈ હતી. નાણાંકીય વ્યવહારોના પગલે આ પ્રવૃત્તિ બેરોકટોક પણે ચાલી રહી હતી. જો કે આ પ્રવૃત્તિની ગંધ જાગૃત નાગરિકોને આવ્યા બાદ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતા ચેકિંગ કરવા માટે ટીમોને મોકલવાની ફરજ પડી હતી. ચેકિંગ ટીમ દ્વારા વીજચોરી થઈ રહી હોવાના આધાર પુરાવા સાથેનું વીડિયો રેકોડીંગ પણ કરાયું હતું. જો કે રાતો રાત થાંભલા, વીજરેષા સહિતની સાઘન સામગ્રીઓ ગાયબ કરી વીજચોરીની પ્રવૃત્તિ પર પરદો પાડવાની કોશિષ કરાઈ હતી. વીજચોરીનું રેકોડીંગ હોઈ અધિકારીઓ દ્વારા પદ્ધર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ હતી. વીજચોરીની પ્રવૃત્તિ ઝડપાયા બાદ શંકાના દાયરામાં આવેલા કોન્ટ્રાકટરોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાતા વાયર, સ્વીચ સહિતના માલસમાનની સાથો સાથ ડીપી પણ મળી આવી હતી. જેને જોઈને ખુદ અધિકારીઓ પણ અચંબામાં મુકાયા હતા. કોન્ટ્રાકટરોને ફાળવાયેલા જથ્થા કરતાં વધુ જથ્થો મળ્યો હોવાની વાત ખુદ વીજતંત્રના કર્મચારીઓ કબૂલી રહ્યા છે. જો કે આ બાબતે સબંધીત કોન્ટ્રાકટરો સામે કોઈ કાર્યવાહી ન થતાં આ પ્રકરણને પણ આટોપી લેવાઈની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.આ બાબતે ભુજ ડિવિઝનના ઈજનેર પી.ડી. પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, નડાપા વીજચોરી પ્રકરણ સામે આવ્યા બાદ કોન્ટ્રાકટરોને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ ત્યાંથી વધુ પ્રમાણ જથ્થો મળ્યાની વાતમાં તથ્ય નથી.