નગરપાલિકાની વાડીમાં ભીષણ આગ : બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે

સુધરાઈની વાડીમાં ભીષણ આગ લાગી પણ કોઈ સત્તાધિશો ફરકયા નહીં
ભુજ : નગરપાલિકાની વાડીમાં આગ લાગવાની ઘટના બની હતી જેની જાણ ખુદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને પણ મોડે મોડેથી થઈ હતી. તો આગની ઘટના બાદ સુધરાઈના કોઈ સત્તાધિશો પણ ઘટના સ્થળે ફરકયા ન હતા. તેથી આસપાસના લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી હતી.

 

ભુજ : નગરપાલિકાની વાડીમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. વાડીમાં આવેલી ઝાડીઓના વિશાળ પટ્ટમાં આગ ફેલાઈ હતી. ઘટનાને પગલે ર ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા દોડી ગઈ હતી.
ભુજની ભાગોળે નવા રેલ્વે સ્ટેશનથી આત્મારામ સર્કલ તરફ જતા માર્ગ પર આવેલી ભુજ સુધરાઈની વાડીમાં આગનો બનાવ બન્યો હતો. સવારે ૮ વાગ્યાના અરસામાં લાગેલી આગની જાણ ફાયર બ્રિગેડને ૧૦ કલાકે થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુધરાઈની વાડીમાં ચોકીદાર છે, પરંતુ વાડી પર હાજર હતો કે કેમ તે મોટો સવાલ છે. આગની ઘટના અંગે અન્ય કોઈ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતા બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડીને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. રોડ પરથી વાડીની અંદર ફાયર બ્રિગેડની ગાડી જઈ શકે તેમ ન હતી. ફાયર બ્રિગેડના સ્ટાફને પણ આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી થઈ હતી. વાડીની ફરતે થયેલા ખાડામાં ફાયર બ્રિગેડના સ્ટાફના માણસો પડી ગયા હતા. અંદર જવાનો રસ્તો ન હોવાથી જેસીબી મંગાવીને પ્રથમ રસ્તો કરવામાં આવ્યો હતો. અગમ્ય કારણોસર ઠેર ઠેર વિશાળ પટ્ટમાં આગ આગળ વધી હતી ત્યારે ફાયર બ્રિગેડના સ્ટાફે બપોર સુધી આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી.