નખત્રાણા-રવાપરમાં પીજીવીસીએલ વિજિલન્સના ધામા : વીજચોરોમાં ફફડાટ

વહેલી સવારથી હાથ ધરાઈ વીજ ચેકીંગની કામગીરી : લાંબા સમય બાદ કામગીરી હાથ ધરાતા મોટી વીજચોરી ઝડપાવવાની શકયતા

 

ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા લાંબા સમય બાદ ભુજ સર્કલમાં ધામા નાખવામાં આવ્યા છે. વીજ ચેકીંગની ટુકડીઓ દ્વારા આજ વહેલી સવારથી નખત્રાણા-રવાપરમાં ધામા નખતા વીજચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તો સાંજ સુધીમાં મોટી વીજચોરી ઝડપાવવાની શકયતાઓ પણ સેવાઈ રહી છે.
આ અંગેની વિગતો મુજબ વીજચોરી માટે બદનામ એવા કચ્છના અંજાર-ભુજ સર્કલમાં સમયાંતરે પીજીવીસીએલની વિજિલન્સ ટીમો ત્રાટકી સપાટો બોલાવતી હોય છે. તો આ ચેકીંગ દરમ્યાન લાખોની વીજચોરી પણ ઝડપાતી હોય છે. જોકે પાછલા લાંબા સમયથી વીજ ચેકીંગ ટુકડીઓએ ભુજ સર્કલમાં કામગીરી હાથ ન ધરતા વીજચોરોને રીતસરનું મોકળુ મેદાન મળી જવા પામ્યું હતું.
જોકે આજે ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે જ ચેકીંગ ટુકડીઓ ઉતરી પડતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે વીજ તંત્રના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ પીજીવીસીએલની વિજિલન્સ ટુકડીઓએ આજ વહેલી સવારથી નખત્રાણા-રવાપર વિસ્તારમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ઠંડીના ચમકારા વચ્ચે એકાએક સુરક્ષા બંદોબસ્ત સાથે ઉતરી આવેલ વીજ ચેકીંગની ટુકડીઓને જોઈ વીજચોરોના પરસેવા છૂટી ગયા હતા.
તો અનેક વીજચોરો આગાપાછા પણ થઈ ગયા હતા. લાંબા સમય બાદ વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાતા સાંજ સુધીમાં મોટી વીજચોરી ઝડપાવવાની પણ શકયતાઓ છે.