નખત્રાણા પ્રાંત કચેરી ખાતે રાજયમંત્રીની અધ્યક્ષતામાં નખત્રાણા, લખપત અને અબડાસાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ

કોરોના મહામારીમાં કચ્છની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર સમયાંતરે તાલુકા સ્તરે સમીક્ષા કરતા રહે છે. જે અન્વયે રાજયમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નખત્રાણા પ્રાંત કચેરી ખાતે નખત્રાણા, અબડાસા તેમજ લખપત તાલુકાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ તકે રાજયમંત્રીશ્રીએ ત્રણેય તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી કોરોના ટેસ્ટીંગ કીટની વ્યવસ્થા તેમજ સ્થિતિની જરૂરી વિગતો મેળવી તે અંગે સૂચનો પણ કર્યા હતા. તેમજ જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવા સી.ડી.એચ.ઓ.ને સૂચન કર્યુ હતું. નખત્રાણા તાલુકા પ્રમુખશ્રી જયસુખભાઇ પટેલે નખત્રાણા માટે ઓકિસજન સિલીન્ડરની વ્યવસ્થા વધારવા માટે સુચન કર્યુ હતું. જે અન્વયે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ ૧૫ ઓકિસજન સિલીન્ડર નખત્રાણાને પુરા પાડવા માટે વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીને જણાવ્યું હતું. રાજયમંત્રીશ્રીએ ત્રણેય તાલુકાઓમાં બેડ તેમજ ઓકિસજનની સંખ્યા તેમજ વ્યવસ્થા કરી શકાય તે અંગે સૂચનો માંગ્યા હતા. જે અંગે જરૂરી માહિતી આપતા નખત્રાણા ટી.એચ.ઓ.શ્રી તેમજ પ્રાંત ઓફિસરશ્રી જૈતાવતે નખત્રાણા કન્યા છાત્રાલયનું સૂચન કર્યુ હતું કે, ત્યાં સારી સુવિધા ઉભી કરી શકાય તેમ છે. જયારે લખપત ટી.એચ.ઓ.એ માતાનામઢ જાગીર ખાતે ૪૦ બેડની વ્યવસ્થા ઉભી કરી શકાય તેમ છે તેવું જણાવ્યું હતું. નલીયા ટી.એચ.ઓ.એ પણ રાતા તળાવ ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરી શકાય છે તેમ જણાવ્યું હતું. જે અંગે ત્વરીત વ્યવસ્થા ઉભી કરવા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ત્રણેય તાલુકાના કુલ પી.એચ.સી.ની માહિતી મેળવી ત્યાં કોવીડ કેર સેન્ટર્સ ઉભા કરવા સૂચન કર્યુ હતું કે જેથી મેડિકલ સ્ટાફ તેમજ પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઝડપથી ઉભી કરી શકાય. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઇ પટેલે નખત્રાણા ખાતે કોવીડ હોસ્પિટલો માન્યતા મળે તેવું સૂચન કર્યુ હતું કે, જેથી નખત્રાણા લખપત અને અબડાસા તાલુકાના દર્દીઓને નજીકમાં યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે અને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટાડી શકાય. આ તકે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ સૂચન કર્યુ હતું કે, જે લોકોમાં કોરોના સિન્ટમ્સ જણાય તેવા લોકોનું ત્વરીત ચેકીંગ કરવું જોઇએ. ઉપરાંત જે લોકોને કોરોના પોઝીટીવ આવે તેમના ઘર તેમજ ઓફિસ વગેરેને ત્વરીત જ સેનેટાઈઝ કરવા જોઇએ જેથી સંક્રમણ વધતા રોકી શકાય. રાજયમંત્રીશ્રી, સાંસદશ્રી તેમજ કલેકટરશ્રીએ ત્રણેય તાલુકાની વેકિસનેશનની વિગતો મેળવી તે અંગે હજી વધુ કામગીરી કરવા અધિકારશ્રી તેમજ પદાધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ તકે અબડાસા ધારાસભ્યશ્રીએ પણ તૈયારી બતાવતા જણાવ્યું હતું કે, જરૂર પડયે લોકોને સમજાવવા તેઓ પણ અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ગ્રામીણ વિસ્તારોમાં જશે અને લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરશે. રાજયમંત્રીશ્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકોને તેમજ સંગઠનો અને મંડળીઓને સમજાવવા માટે નમ્ર અપીલ પણ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી મેહુલ બરાસરા, અબડાસા પ્રાંતશ્રી પ્રવિણસિંહ જૈતાવત, સી.ડી.એચ.ઓ. ડો.માઢક, ત્રણેય તાલુકાના જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.