નખત્રાણા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાતે રાજ્યમંત્રીશ્રી

રાજ્યમંત્રીશ્રીએ નખત્રાણાના હરિહર સનાતન ટ્રસ્ટ કોવીડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી

કોરોના મહામારીને રોકવા માટે કચ્છમાં બેડની સંખ્યા વધારવા મટે તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે .જે માટે સરકારી ધોરણે તેમજ અનેક સંસ્થાઓના સહકારથી પણ કોવિડ સેન્ટર ઊભા થઈ રહ્યા છે. જે અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર આવા સેન્ટર કે હોસ્પિટલ ની મુલાકાત પણ લઈ રહ્યા છે અને ત્યાંની સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી ખુટતી કડીઓ જોળવા સતત પ્રયાસ કરી રહ્યા છે.જે તેમની કચ્છ પ્રત્યેની નિષ્ઠાને પ્રતિપાદિત કરે છે . અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની તેમજ અન્ય રજૂઆતોને ધ્યાને લેતા રાજ્યમંત્રીશ્રી ના પ્રયાસો થકી નખત્રાણા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જ્યાં સુવિધાઓનું જાત નિરીક્ષણ કરવા તેમણે મુલાકાત કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે કચ્છના તમામ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી રહી છે જેથી લોકોને છેક ભુજ સુધી આવવું ન પડે અને સ્થાનિક લેવલે જ તમામ સુવિધા મળી રહે .બસ આ હેતુથી જ અહીં પણ આ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેથી નખત્રાણા તેમજ આજુબાજુ ના લોકોને અહીંજ તમામ સુવિધા મળી રહે. આ તકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર બધા પ્રાયસો કરી રહી છે તો આપણે પણ આપણી ફરજ અદા કરીએ.હવે 18  વર્ષથી ઉપરના તમામનું  પણ રસીકરણ શરૂ થયું છે ત્યારે સૌ રસી લે તે જરૂરી છે . આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સમય એવો છે કે લોકોએ એકજૂથ બનીને મહેનત કરવાની છે જે વ્યક્તિ જે બાબતમાં સામર્થ્ય ધરાવે છે તેમાં પોતાનું અનુદાન આપે તો જલદી જ આપણે આ કોરોના ને જાકારો આપી શકીશું. આ સાથે રાજ્યમંત્રીશ્રીએ નખત્રાણાના હરિહર સનાતન ટ્રસ્ટ કોવીડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી . અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રીમેહુલ બરાસરા , નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નખત્રાણા મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફીસર ઉપરાંત અગ્રણીશ્રી કાનજીભાઈ કાપડી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.