નખત્રાણા તા.પં.ના કોંગ્રેસના સભ્યએ રાજીનામું આપ્યાની ચકચાર

નખત્રાણા : આગામી ટુંક સમયમાં તા.પં. પ્રમુખ સહિત બોડીની ચૂંટણી દસ્તક આપી રહી છે ત્યારે એક ઘટનાક્રમમાં તાલુકા પંચાયત નખત્રાણાના મહિલા સભ્ય ઉમરાબેન અરજણભાઈ મેરીયાએ રાજીનામુ આપ્યાની ઘટના સોશિયલ મીડિયામાં વહેતી થતા ચકચાર મચી છે. ર૦ સભ્યોમાંથી ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૯ સભ્યો છે. પાતળી બહુમતી સાથે ભાજપ સત્તામાં છે ત્યારે કોંગ્રેસના એક મહિલા સભ્યએ બિમારીનું કારણ આગળ ધરી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના અમુક સભ્યોને આ બાબતે પુછતા તેમણે કહ્યું હતું કે, રાજીનામાની વાત લાંબા સમયથી ચાલે છે, કદાચ વિધિવત આપ્યું હોય તો નવાઈ નહીં, રાજકારણમાં આવું બધું ચાલ્યા કરે છે. આ બાબતે નખત્રાણા ટીડીઓ શૈલેષ રાઠોડનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બિમારીના કારણ સબબ ઉમરાબેન અરજણભાઈ મેરીયાએ રાજીનામુ આપ્યું છે. જો કે, આ બાબતે રાજીનામુ આપનાર મહિલા સભ્યનું સંપર્ક વિફળ નિવડ્યો હતો.