નખત્રાણા તાલુકા પંચાયતના કોંગ્રેસી સદસ્ય સહિત ૧પ જુગારી ઝડપાયા

નખત્રાણાના વિગોડી ગામે વાડી પર ધાણીપાસાની રમાતી જુગાર પર પોલીસે પાડ્યો દરોડો : દરોડામાં ૩ આરોપીઓ થયા ફરાર : પોલીસે ૧.૭૦ લાખની રોકડ સહિત ર.૦૭ લાખનો મુદ્દામાલ ઝડપ્યો : શ્રાવણ પૂર્વે જ કચ્છમાં જુગારીઓ આવ્યા પડમાં

નખત્રાણા : તાલુકાના વિગોડી ગામે વાડી પર ધાણી-પાસાની રમાતી જુગાર પર નખત્રાણા પોલીસે દરોડો પાડીને નખત્રાણા તા.પં.ની મથલ સીટના સદસ્ય સહિત ૧પ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ૩ શખ્સો નાશી છૂટ્યા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી ૧.૭૦ લાખની રોકડ રકમ સહિત ર.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શ્રાવણ પૂર્વે જ કચ્છમાં જાણે જુગારધામો ધમધમતા થઈ ગયા હોય તેમ પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી જુગારીઓ પર ધોંશ બોલાવીને પાંજરે પૂરવાનું શરૂ કર્યું છે. તેવામાં નખત્રાણા તાલુકાના વિગોડી ગામે બાબુ લધા સાંખલાના કબજાની વાડીમાં ધાણીપાસા વડે જુગાર રમાતો હતો. જેની બાતમીને આધારે નખત્રાણા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં નખત્રાણા તાલુકા પંચાયતની મથલ સીટના કોંગ્રેસના સદસ્ય નવીન પરબત કુંવટ સહિતના ૧પ આરોપીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓના કેટલાક પ્રતિષ્ઠિત વેપારીઓ તેમજ કેટલા જૂના ખેલીઓનો પણ સમાવેશ થાય છે. નામી લોકોએ ધાણીપાસાની માંડેલી ચોપાટ પર નખત્રાણા પોલીસની ટીમે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જેમાં નાગવીરીના હુશેન ઉર્ફે જાફર આમદ ભજીર (ઉ.વ. ર૧), નેત્રાના ઈબ્રાહીમ કુંભાર (ઉ.વ. પ૦), રવાપરના હનીફ અલીમામદ કકલ (ઉ.વ. ૩૧), કાદિયાના આસિફ ઈશાક ઠોડીયા (ઉ.વ. ર૭), ભુજના અમનશા જમાલશા શેખ (ઉ.વ. ૩૩), દેશલપર વાંઢાયના જયેશ જયંતીલાલ સોની (ઉ.વ. ૪૧), રવાપરના કિરીટ કુમાર વાલાભાઈ દામા (ઉ.વ. ૪ર), વિગોડીના પ્રવીણ દેવજી નાથબાવા, ભુજના હનીફ જુમા ગગડા (ઉ.વ. ૩૬), ટોડિયાના અને મથલ સીટના તા.પં. સદસ્ય નવીન પરબત કુંવટ (ઉ.વ. ૩પ), ભુજની જુની રાવલવાડીના અનિલ દયારામ ઠક્કર (ઉ.વ. ૪૭), નેત્રાના શંકરગર ગોવિંદગર ગોસ્વામી (ઉ.વ. ૪ર), નેત્રાના જ ઘનશ્યામ પ્રાગજીભાઈ સોની (ઉ.વ. ૪૪), રવાપરના પરેશ વિશનજી રૂપારેલ (ઉ.વ. ૪પ), ખીરસરા (રોહા)ના પ્રવીણ ગોવિંદ બડીયા (ઉ.વ.ર૯) ઝડપાયા હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યું હતું. તો વિગોડીના યાસીન ચાકી, આમદ ચાકી અને સુલેમાન પીંજારા નાશી છૂટ્યા હતા. નખત્રાણા પોલીસે પીઆઈ બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રિના સવા ત્રણ વાગ્યાના અરસામાં
દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીઓના કબજામાંથી રોકડા રૂા.૧,૭૦,૦૦૦ તેમજ ૧૭૦૦૦ના ૧૧ નંગ મોબાઈલ, ર૦ હજારની ૧ બાઈક મળીને કુલ ર,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, હજુ શ્રાવણ શરૂ થાય તે પૂર્વે જ નખત્રાણા તાલુકામાં જુગારધામો શરૂ થઈ ગયા છે. ગઈકાલે જ હજુ મોટા અંગિયામાંથી જુગાર ઝડપાઈ હતી તો જિલ્લામાં અન્ય સ્થળોએ પણ જુગારધામો ધમધકી રહ્યા છે. પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોમાં જુગારના નોંધપાત્ર કેસો કરાયા છે.