નખત્રાણા તાલુકામાં ‘સુજલામ સુફલામ’ જળ અભિયાન યોજનામાં કરોડોની ખાયકીની ગંધ આવે છે !

તાલુકામાં ૧૦૬ જેટલી વિવિધ સંસ્થાના નામે કોન્ટ્રાકટરો, સંસ્થા અને સિંચાઈ શાખાની મિલીભગત પાધરી થઈ રહી છે, બોગસ કામોમાં વરસાદ પણ અનફેવર કરે છે ? : કરોડોની ખાયકી ધરાવતા આ કામોની વરસાદ પહેલા ઉચ્ચકક્ષાએ તપાસ થાય તો સરકારના કરોડો રૂપિયા બચે ! : સરકારે બિલો અટકાવતા કોન્ટ્રાકટરો ગાંધીનગર લાંબા થઈ ધાર્યું કરવા સજ્જ : મોટાભાગની સંસ્થા ભગવાધારી

ભુજ : સરકારે લોકહિતાર્થ અનેકવિધ પ્રજાલક્ષી યોજના અમલમાં મૂકી છે પણ તેનો હેતુ ભ્રષ્ટાચારી લોકો સાર્થક કરવા ન દેતા આવી યોજનાને બટ્ટો લગી રહ્યો છે. નખત્રાણા તાલુકામાં જળ અભિયાન હેઠળ સુજલામ..સુફલામ યોજનામાં કરોડોની ખાયકીની ગંધ આવી રહી છે. સુત્રો માહિતી આપતા કર્યું કે, તાલુકામાં ૧૦૬ જેટલી વિવિધ સંસ્થા દ્વારા તળાવ ઉંડા કરવા અને નબળી ગુણવતાવાળા કામો થઈ રહ્યા છે. જયાં જયાં કામો ચાલી રહ્યા છે ત્યાં જુના તળાવોને જેસીબી ૧ લગાડી થોડા-ઘણા ઉંડા કરી આસપાસ ગાંડા બાવડ કટીંગ કરીને કામો લોટ, પાણીને લાકડા છાપ થયા છે અને તેના કરોડોના પેમેન્ટ-ખોટા બિલો અટકયા છે.સંસ્થા, સિંચાઈ અને કોન્ટ્રાકટરોના મિલીભગતથી આ સમગ્ર યોજના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. આવા તકલાદી કામો કરીને વરસાદ પાંચ ઈંચ જેટલું થાય તો વરસાદમાં આ કામો ઢંકાઈ જાય તેવી મેલી મુરાદ સાથે કામો તો થયા પણ વરસાદ ન પડતા આ સમગ્ર યોજનાનું ભ્રષ્ટાચાર પાધરૂ થઈ ગયો છે. દર વરસે અમુક ભ્રષ્ટાચારી આવા તકલાદી કામો કરીને કરોડો રૂપિયાનો સરકારને ચુનો ચોપડે છે.આ વખતે વરસાદ પડે તે પહેલા આ તાલુકામાં જયા જયા કામો થયા છે ત્યાં ઉંડી તપાસ થાય તો સરકારની યોજના ગુણવતા બહાર આવે તેમ છે અને કરોડો રૂપિયા બચે તેમ છે. મોટાભાગની સંસ્થા ભગવાધારી સતાપક્ષની સાથે સંકળાયેલી છે. તો બીજી તરફ આ યોજનામાં બીજા પણ લાભો છે જે તળાવોમાં રેતી કાઢવામાં આવે છે તે અન્ય સ્થળે લઈ જવા માટે રોયલ્ટી ન ભરવી પડે તે માટે માટી-રેતી લઈ જવામાં આવે છે. જેની સંસ્થા, સિંચાઈ, કોન્ટ્રાકટરો ભાગબટાઈ હોય છે. આ તાલુકામાં રેતી-માટી-ખનીજ ચોરી પણ ધુમ પ્રમાણમાં થાય છે. જોકે, સુજલામ સુફલામ યોજના તળાવ ઉંડા કરવા પાણીનો સંગ્રહ કરવા માટે સરકારનો ઉદ્દેશ લોકો ઉપયોગી છે. સરસ છે પણ ભ્રષ્ટાચારી માટે આ કમાવવાનું સાધન છે અને તેમને સતા પક્ષના મોટા ગજાના રાજકારણીનો પીઠબળ મળી રહે છે તે પણ એટલું સત્ય છે.આ બાબતે નખત્રાણા સિંચાઈ વિભાગના સાગર ચૌહાણનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે, નખત્રાણા તાલુકામાં સુજલામ સુફલામના કામોમાં ભ્રષ્ટાચાર અંગે તેમના સમક્ષ હજુ સુધી કોઈ ફરિયાદ આવેલ નથી. જો કોઈ, ગેરરીતિ જણાશે તો જરૂરથી પગલા લેવામાં આવશે.