નખત્રાણા તાલુકાના બાંડિયારાના સીમાડામાં ભેદી ધડાકાથી ગભરાટ ફેલાયો

નખત્રાણા : તાલુકાના બાડિયારા ગામની સીમમાં રાત્રે ૧૦ વાગ્યે મોટા ધડાકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ વિસ્તારના બાઈવારીવાંઢ, નેત્રા તેમજ બાડીયારા સીમાડામાં ભેદી ધડાકાનો અવાજ થતા રોશનીથી જંગલમાં પ્રકાશ ફેલાયો હતો. સીમાડામાં પવનચક્કીના લોકેશનો પણ બંધ થયા હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ ધડાકો કયાંક પવનચક્કીના શોર્ટ સર્કીટ થઈ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં મોર પક્ષી વધુ હોવાથી ટકરાયા હોવાનું પણ અનુમાન ગામના નાગરીક મામદભાઈ સાગરે કર્યું હતું. ગામના સરપંચ કિરીટસિંહ જાડેજાને પૂછતા આ અંગેની જાણકારી મળી છે પણ ઘટના શું ઘટી છે તે તપાસ કરાવું છું એવું સરપંચે જણાવ્યું હતું.

અજાપરની સીમમાં વીજ આંચકાથી રાષ્ટ્રીય પક્ષીનું મોત

ભુજ : વાંઢાયથી અજાપર જતા માર્ગ પર સીમ વિસ્તારમાંથી પસાર થતી પવનચક્કીની વીજલાઈનને અડકી જવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. આ બાબતે અજાપર ગામના ભગીરથસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાત્રી દરમ્યાન આ ઘટના બની હતી. સવારે સીમ વિસ્તારમાં મોરનો મૃતદેહ જોવા મળતા લોકો દોડી ગયા હતા. પવનચક્કીની કંપનીના જવાબદારો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મોરના મોતની ઘટના અકસ્માતે બની હોવાનું જણાવી ઢાંક પીછોડો કરાયો હતો. પવનચક્કીના કારણે વધુ એક મોરનો ટહુકો વિલાઈ જતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. પક્ષીઓ માટે વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની વાતો થાય છે પણ અમલવારીમાં ઢીલાશ થતી હોવાથી અવારનવાર મોતની ઘટના બનતી રહે છે.