નખત્રાણા ડિવીઝનમાં પીજીવીસીએલ વિજિલન્સના ધામા

ભુજ : અંજાર સર્કલમાં પીજીવીસીએલ વિજિલન્સની ટીમોએ સપાટો બોલાવ્યા બાદ આજથી ભુજ સર્કલમાં ધામા નાખ્યા છે. ચેકીંગ કામગીરીના પ્રથમ દિવસે નખત્રાણા ડિવીઝન પર રડાર કેન્દ્રીત કરાતા ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ચેકીંગ ટુકડીઓ ઉતરી પડી હતી. એકાએક આવેલ વીજ ચેકીંગની ટીમોને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. દિવાળી પૂર્વે સપાટો બોલાવવા પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા કચ્છ જિલ્લામાં ધામા નાખવામાં આવ્યા છે. અંજાર સર્કલથી ચેકીંગ કામગીરીના કરાયેલ શ્રી ગણેશમાં ભચાઉ, ગાંધીધામ, અંજારમાં સપાટો બોલાવ્યા બાદ આજથી ભુજ સર્કલમાં ચેકીંગ ટીમોએ ધામા નાખ્યા છે. ચેકીંગ કામગીરીના પ્રથમ દિવસે આજે નખત્રાણા ડિવીઝનમાં વિજિલન્સ દ્વારા વીજ ચોરી ઝડપવા ૩૦ ટીમો મેદાને ઉતરી હતી. પુરતા સુરક્ષા બંદોબસ્ત સાથે ઉતરેલ વિજિલન્સની ટીમોના પગલે વીજ ચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. તો સાંજ સુધીમાં મોટી વીજ ચોરી ઝડપાય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.