નખત્રાણામાં ૬૭ દિવ્યાંગ બાળકોને વિકલાંગતા પ્રમાણપત્ર અપાયા

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ તથા સિવિલ સર્જન કચેરી, જિલ્લા પ્રા. અને માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા યોજાયો દિવ્યાંગ કેમ્પ

નખત્રાણા : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ તથા ચીફ ડિસ્ટ્રિકટ મેડિકલ ઓફિસરની કચેરીના સહયોગથી નખત્રાણા ખાતે દિવ્યાંગોને તેમની વિકલાંગતા ક્ષમતાના અનુસાર જુદી જુદી ક્ષતિ અનુસાર ૬૭ બાળકોને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુજના વિશેષ સહયોગથી આયોજિત આ દિવ્યાંગ પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ૦થી ૧૮ વર્ષના કુલ ૧૦૬ બાળકો તેમના વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી ૬૭ બાળકોને સ્થળ ઉપર તેમની શારીરિક ક્ષતિ મુજબ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અને ૩૯ બાળકોને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે વિશેષ ચકાસણી માટે રિફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં શ્રવણ, માનસિક, દ્રષ્ટિ તથા હાડકાની શારીરિક ખામી ધરાવતા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. જેમની વિકલાંગતાનુ પરિક્ષણ મનોચિકિત્સા વિભાગના સીની.રેસિ. ડો. રિધ્ધિ ઠક્કર તેમજ જર્નલ મેડિસિન વિભાગના રેસિ. ડો. હાર્દિક ચૌધરી હાડકાં વિભાગના ડો. સ્મિત દવે, કાન-નાક-ગળાના ડો. રોનક બોડાત, આંખ વિભાગના ડો. કિંજલ મહેતા તથા બાળરોગ વિભાગના ડો. કરણ પટેલે કર્યું હતું.
સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં સી.ડી.એમ.ઑ. ઓફિસના રાહુલ ખરેટ તથા ઓડિયોલોજિસ્ટ હર્ષદ વાઘેલા તેમજ જિલ્લા પ્રોજેકટ કચેરીના કો-ઓર્ડિનેટર શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, નખત્રાણા બી.આર.સી.ભવનના નૈમેશ પટેલ, વિષ્ણુભાઈ બુધરેજિયા, હરેશભાઈ ચુડાસમા, મનહરભાઈ પટેલ, રમાબેન હોરિયા તથા સ્પેશિયલ એજ્યુકેટર પ્રકાશભાઈ પટેલ તેમજ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ એડમીન વિભાગના પ્રશાંત પટેલે સહયોગ આપ્યો હતો.