નખત્રાણામાં સગીર કન્યા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર

બેરૂ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારનો બનાવ : પોલીસે આદરી તપાસ

નખત્રાણા : શહેરના બેરૂ રોડ ઉપર વાડીમાં રહેતી આદિવાસી પરિવારની સગીર કન્યા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો બનાવ સપાટી ઉપર આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બેરૂ રોડ ઉપર આવેલ અમૃતભાઈ સુરાણીની વાડીમાં મજુરી કામ કરતા મુળ વડોદરા જિલ્લાના આદિવાસી પરિવારની ૧૩ વર્ષની સગીર કન્યા ઉપર કોઈએ દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દીધાનો બનાવ સપાટી ઉપર આવતા ચકચાર મચી જવા પામી હતી. સગીર કન્યા નાની ઉમરની હોઈ અને કંઈ બોલતી ન હોઈ બે માસથી માસિક ધર્મમાં ન આવતા તેના પિતાએ નખત્રાણા સરકારી દવાખાને તપાસ કરાવતા તબીબે બે માસનો ગર્ભ હોવાનું જણાવતા અને વધુ સારવાર માટે ભુજ જીકેમાં જવાનું જણાવતા ૧૦૮ દ્વારા સગીરાને ભુજ જીકેમાં લવાતા બનાવ અંગેની જાણ ડોકટર શ્રી હિંગોરાએ નખત્રાણા પોલીસને કરતા પોલીસે જાણવા જાગ દાખલ કરી સગીરાની ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી કરેલ છે સગીર કન્યા ઉપર કોણે દુષ્કર્મ આચરીને બે માસનો ગર્ભ રાખી દીધેલ જે ગુન્હો નોંધાયા બાદ જ બહાર આવી શકે તેમ છે.