નખત્રાણામાં શિક્ષક દંંપતિના ઘરે ત્રાટક્યા તસ્કરો : ૩.૮૩ લાખના દાગીના-રોકડની ચોરી

મણિનગરમાં આવેલા રહેણાક મકાનમાં નકૂચો તોડી પ્રવેશ્યા ચોર નખત્રાણા પોલીસમાં નોંધાઈ ફરિયાદ ચોરીના બનાવથી સ્થાનિકોમાં ફફડાટ

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)નખત્રાણા : કચ્છમાં ક્રાઈમ રેસીયો સતત વધી રહ્યો છે. પોલીસ એક કેસનો ભેદ ઉકેલે ત્યાં બીજા કેસો સામે આવીને ઉભા રહે છે. ત્યારે નખત્રાણામાં બંધ મકાનમાં ચોરીના બનેલા બનાવથી નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજમાં રહેતા અને નખત્રાણામાં મકાન ધરાવતા શિક્ષક દંપતિના ઘરે તસ્કરોએ ખાતર પાડી રૂપિયા ૩.૮૩ લાખના દાગીના અને રોકડની ઉઠાંતરી કરી ગયા હતા. હાલમાં ભુજના નરનારાયણનગરમાં રહેતા અને નખત્રાણા મણિનગરમાં આવેલ ગરબી ચોક પાસે મકાન ધરાવતા રણજિતસિંહ ઉર્ફે રાણાજી મમુજી જાડેજાએ નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પરિવાર સાથે ભુજ રહેતા હોઈ ગઈકાલે નખત્રાણા જતાં ચોરીની ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. રહેણાક મકાનમાં દરવાજાના નકુચા તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા. અને ભીતના સોકેશમાં રાખેલ ચાંદીના શોપીસ, સોપારી, ચોખા, ગણપતિ મૂર્તિ, ગાયની મૂર્તિ તેમજ લોખંડના કબાટમાંથી રોકડા રૂપિયા ર,પ૯,૯૮૦ જયારે ૧.ર૩ લાખના દાગીના ચોરી ગયા હતા,. જેમાં સોનાની બે વીંટી, એક ચેઈન, બુટિયા, સોનાના પતરાવાળી સોપારી, બે નાકના દાણા, બે જોડી સાંકળાની ઉઠાંતરી તસ્કરોએ કરી હતી. દાગીના સહિત કુલ ૩,૮ર,૯૮૦નો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયા હતા. જે ઘટના અંગે નખત્રાણા પોલીસે ફરિયાદ દાખલ કરી છે, જેની તપાસ ઈન્ચાર્જ પીઆઈ ચૌધરીને સોંપાઈ છે. મળતી માહિતી પ્રમાણે રણજિતસિંહ નરામાં આવેલી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. જયારે તેમના પત્ની નખત્રાણામાં પ્રાયમરી સ્કૂલમાં શિક્ષિકા છે. મણિનગરમાં બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર નખત્રાણામાં ચકચાર જગાવી છે. તેમજ પોલીસ પણ દોડતી થઈ છે.