નખત્રાણામાં ભાંગતી રાત્રે વધુ ર ઈંચ વરસાદ તાલુકો ન્યાલ

  • હરિયાળા તાલુકામાં શુક્રવાર પણ શુકનવંતો સાબિત

ગુરૂવારે ૪ ઈંચ, શુક્રવારે ર ઈંચથી ૬ ઈંચ વરસાદે તાલુકાનો ચિત્ર બદલ્યો : ઠેર-ઠેર તળાવો ઓગનાયા-ડેમો પણ ભરાયા : સમગ્ર તાલુકામાં ભાદરવાના ભુસાકાથી પાક સોળઆની : વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા : રસ્તાનું ધોવાણ થયું

નખત્રાણા : અષાઢી રંગનો ભર ભાદરવે મિજાજ બદલતા કચ્છના ભાગ્ય વિધાતા મેઘરાાએ શુક્રવારથી ભાંગતી રાત્રે પરોઢે ચાર વાગ્યે ગાજવીજના કડાડા-ભડાકા સાથે વધુ બે ઈંચ વરસાદ વરસાવતા તાલુકાને ન્યાલ કરી દીધો છે.
ગુરૂવારે બપોર બાદ પધારેલા મેઘરાજા-રાત્રિ સુધી ૪ ઈંચ વરસાદ વરસાવ્યો હતો અને આજે ર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસમાં ૬ ઈંચની આરે પહોંચ્યો છે. વરસાદી આંકડા તાલુકામાં વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે. રવાપર, મથલ, નખત્રાણાનો ધોળો તળાવ ઓગની ગયો છે. તાલુકામાં બાવનપટ્ટી અને પાવરપટ્ટી, ઉપલોવાસ રવાપરથી કોટડા (જ) મંથલ વગેરે વિસ્તારમાં ૧થી ૪ ઈંચ વરસાદ પડ્યો છે. વિથોણ, ભીટારા, ફોટ મહાદેવ, ભુખી નદીમાં નવા નીર આવ્યા છે તો પાલારધુનાનો ધોધમાં નવા નીર આવતા ખુબ સુંદર ભાસી રહ્યો છે. ભોયડ નદીમાં પણ નીર આવ્યા છે. આ વરસાદથી પિયત તેમજ કવિત મોલ મગફળી, કપાસ, તલી, એરંડા જેવા પાકોને ખનુજબ ફાયદો થશે. પાલરપાનીથી પાકના વાવેતરનો ચિત્ર બદલાયો છે. વર્ષ સોળઆની નજીક પહોંચયો છે. અલબત ક્યાંક ક્યાં જીવાતને લીધે પાકને નુકશાન પણ છે તો ખેતર-વાડીમાં પાલર પાણી ભરાયા છે. ઠેર-ઠેર રસ્તાનું ધોવાણ પણ થયું છે. નખત્રાણા-વિરાણી રસ્તાનું કામ તથા તાલુકામાં અન્ય ગામોમાં રસ્તાનું કામ ચાલુ હોતા ત્યાં વાહન ચાલકો, રાહદારીને ચાલવું મુશ્કેલ થયું છે. ખાડામાં પાણી ભરાયા છે. અલબત આ વરસાદથી વીજ પ્રતાપથી કોઈ નુકશાનીના અહેવાલ નથી. કાદિયા બાજુ પ્રવેશદ્વાર વીજ પ્રતાપથી થોડુક નુકશાન થયું છે.મામલતદાર કચેરીના કિરણ જયપાલે જણાવ્યું કે, શુક્રવારે સવારથી આઠ સુધી ૧પ મીમી અને અગાઉનો ૩૩૩ મીમી કુલ મોસમનો વરસાદ ૪૧૦ મીમી જેટલો નોંધાયો છે. વરસાદથી તાલુકાના મુખ્ય મથક અને તમામ ગામોમાં વીજ ધાંધિયા યથાવત રહ્યા હતા. વારંવાર વજ પુરવઠાના કાપથી લોકો રોષે ભરાયા હતા. અમુક જગ્યાએ પુરવઠો ધરાશાયી થતા હતા. વરસાદથી સવારે છાપા, દૂધના ફેરિયા પણ મોડા પહોંચ્યા હતા. નખત્રાણામાં બપોરબાદ ગુરૂવારે વેપારીઓને ગ્રાહકો ન હોતા શટર નીચા કરવાની નોબત આવી હતી. જોકે, આજે સવારે પણ બારાતુ-ઘરાકીની ચહલ-પહલ નહીંવત હતી. ઠેર-ઠેર તળાવો ઓગનતા આજે ગામ લોકો વાજતે-ગાજતે તળાવોનો ઓવારણા લેશે તો વરસાદથી નવરાત્રિ-દિવાળી પર્વમાં રોનક આવશે. આ લખાય છે ત્યારે પણ ઝરમર વરસાદ ચાલુ છે. આળંગ પણ છે અને આકાશી વાદળાથી ગોરંભાયેલું છે.

  • આને કહેવાય પાલર પાણીનો પ્રેમ – પ્રસાદ

મથલનો સોતાસર ઓગનતા ગોવિંદભાઈ પટેલે દંડવત ચાલી ઓવારણા લીધા

નખત્રાણા : મથલમાં ૪ ઈંચ વરસાદ પડતાં ગામનું સોતાસર તળાવ એકી ઝાટકે ઓગની જતાં આજે ગામના પટેલ ગોવિંદ શામજી સેંઘાણીએ દંડવત ચાલી ગ્રામજનો સાથે વાજતે ગાજતે વધાવાયો હતો.ગોવિંદભાઈની માનતા હતી કે, નવરાત્રી પહેલા આ સરોવર છલકાઈ જાસે તો હું દંડવત (લેટણિયા) ખાતો તળાવને વધાવીશે. માતાજીએ ગોવિંદભાઈની માનતા પૂર્ણ કરતા આજે આ સરોવરને ઓવારણા લેવાયા હતા. શ્રીફળ, ચુંદડી, અબીલ- ગુલાલ, ચાંદીનો સિક્કો નાખીને તળાવ વધાવાયો હતો. તરવૈયા ઈભરામ સાટીએ શ્રીફળ, ચુંદડી લઈ આવતા તેમને રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા. મથલ ડેમમાં આઠ ફૂટ નવા નીર આવ્યા છે. જયારે નાની સિંચાઈના ઉમરાપર ડેમમાં ૩ મીટર નવા પાણી આવ્યા છે તેવું રાજેશભાઈ ગોરે જણાવ્યું હતું. ગામના અગ્રણી ડાયાલાલ ભદરૂ, અંબાલાલ પારસિયા, રાજુ મારાજ, લાલજી ખેંગાર, હિરાલાલ મિસ્ત્રી, દશરથસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ગામે પાંખી પાડી હતી. ઘેર- ઘેર લાપસીના આંધણ મુકાયા હતા. ભીમનાથ તથા રૂગનાથ દાદાના પૂજારી ચેતનપુરીએ ધાર્મિક વિધિ કરાવી હતી.

  • રવાપર ખાતે સતત પાંચમી વખત તળાવ ઓગનતા વાજતે ગાજતે વધાવાયું

ડેમ ખાતે પણ વધામણા કરાયા : લોકોમાં ખૂશીની લહેર

રવાપર : તાલુકાના રવાપર ખાતે ગઈકાલે મૂશળધાર ર કલાક પડેલા ૪ ઈંચ જેટલા વરસાદને પગલે ગામના મુખ્ય તળાવ અને ડેમ છલકાઈ જતા આજે સવારે શુભ ચોઘડીએ ૯ઃ૩૬ વાગ્યે ગામનો મુખ્ય તળાવો ઢોલ અને શરણાઈના નાદ સાથે સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપારેલના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી વધારવાયો હતો. જ્યરે ડેમ ખાતે ગ્રા.પં. સભ્ય પરેશભાઈ રૂપોલના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી ડેમને વધાવાયો હતો. તળાવ ખાતે ૮ જણ તરવૈયામાં કરીમ ઈસ્માઈલ બાફણ શ્રીફળ મેળવ્યું હતું. જ્યારે ડેમ ખાતે સલીમ કાસમ કકલ શ્રીફળ મેળવ્યું હતું. જેમનું સન્માન સહિત પુરુસ્કાર અર્પણ કરાયું હતું. આચાર્ય શાસ્ત્રી કિરણભાઈ ગોપાલ જોષી, પ્રકાશ પ્રેમજી જોષીએ કરાવી હતી. ઢોલ-શરણાઈમાં આમદ ડાડાલંગા પરિવાર રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે પૂર્વ વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ ઉપસરપંચ મહેશ વાસાણી, ન્યાય સમિતિ જેઠાલાલ જાદવ, ગ્રા.પં.સભ્યો હાજી અબ્દ્રેમાન કુંભાર, ઈભલા ભજીર, નવીનભાઈ ગઢવી, વિનોદભાઈ સોની, વેલુભા ગોહિલ, ત્રિકમલાલ જોષી, ગણેશ મંડળ પ્રમુખ દિનેશ સોની સહિત સમસ્ત ગામના તમામ સમાજના આગેવાનો મહિલાઓ, બાળકો, અધિકારીશ્રીઓ હાજરી આપી હતી. તલાટી યોગેન્દ્રસિંહ જાડેજા સૌનો આભાર માન્યો હતો તો ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.