નખત્રાણામાં ગમખ્વાર અકસ્માત : બેના મોત

ટ્રક-બાઈક વચ્ચે એક્સિડેન્ટ થતા સર્જાઈ કરૂણાંતિકા : નખત્રાણાની બે વ્યકિતઓના મોતથી પરિવારજનોમાં ગમગીની

નખત્રાણા : શહેરથી નખત્રાણા જતા ધોરી માર્ગ ઉપર આવેલ વિશ્વકર્મા માર્કેટ સંતકૃપા હોટલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે એક્સિડેન્ટ થતા બે વ્યકિતઓના મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણામાં રહેતા હિમંતસિંહ મુળસિંહ રાઠોડ (ઉ.વ.પ૧) તથા મુળ પઠાણકોટ પંજાબ હાલે નખત્રાણા રહેતા નિમકરાજ બુધ્ધીસીંગ રાજપુત (ઉ.વ.પ૧) બન્ને જણા મોટર સાયકલ નંબર જીજે. ૧ર. ૭૩૮૪ લઈને જતા હતા ત્યારે ટ્રક નંબર જીજે. ૧ર. વાય. ૭૬૬૩ના ચાલકે બાઈકને ઓવર ટેક કરતી વખતે હડફેટે લેતા રોડ પર ફંગોળાઈ જતા હિમંતસિંહને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત આંબી ગયું હતું જ્યારે નિમકરાજને હોસ્પિટલમાં લઈ જતા સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો. ગોજારા અકસ્માતની જાણ થતા ૧૦૮ના પાયલોટ ગજેન્દ્રસિંહ જાડેજા તથા ઈએમટી નિકુલ પ્રજાપતિ તાબડતોબ બનાવ સ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત નિમકરાજને ભુજ લઈ જતા હતા ત્યારે દમ તોડી દીધો હતો. નખત્રાણા પોલીસે ટ્રક ચાલક સામે ફેટલ એક્સિડેન્ટનો ગુન્હો નોંધી પીએસઆઈ એલ.પી. બોડાણાએ તપાસ હાથ ધરી હતી. બે-બે વ્યકિતઓના માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું.