નખત્રાણામાં ઓનલાઈન ખરીદી કરી કંપની સાથે ઠગાઈ કરતા બે શખ્સો સામે ફોજદારી

નખત્રાણા : શહેરના મણીનગરમાં રહેતા અને ઓનલાઈન ચીજવસ્તુઓની ખરીદી કરી તેમાંથી સ્પેરપાર્ટ કાઢી લઈ તેમાં નકલી માલ ધાબળી દઈ કંપનીને પરત કરી કંપની સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરતા બે યુવાનો સામે વિધિવત ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફિલપકાર્ડ કંપનીના નિર્મિત અશોકભાઈ ઉદારીયા (સોની) (રહે. ભાવનગર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે નખત્રાણાના મણીનગરમાં રહેતા હિતાર્થ ઉર્ફે પિન્ટુ પ્રકાશભાઈ નાકર (રાજગોર) તથા ઈકોમ એક્સપ્રેસ આંગડીયા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા માનસંગજી ખીમાજી જાડેજા છેલ્લા ત્રણેક માસથી સતત તેઓની સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી પૂર્વ આયોજિત કાવતરૂ રચી અલગ અલગ સીમકાર્ડ નંબર મેળવી તે સીમકાર્ડ મારફતે અલગ અલગ ડમી વ્યકિતઓના નામે બોગસ આઈડી બનાવી ઈલેક્ટ્રોનિક કિંમતી જામીનગીરી બનાવટી અને ખોટા દસ્તાવેજા બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તેઓની કંપનીમાંથી મોકલાવેલ ઓરીજનલ માલ (ચીજવસ્તુ)ની બદલી કરી તેના બદલામાં સ્થાનિક માર્કેટમાંથી સસ્તા ભાવે ડમી ચીજવસ્તુ મેળવી તે ચીજવસ્તુ પાર્સલમાં પેક કરી ડિટેકટીવ માલ તરીકે કંપનીને પરત મોકલાવી અને ફરીથી ઓરીજનલ માલ (ચીજવસ્તુ) મેળવી કંપની સાથે ૧૦થી ૧પ લાખની ઓનલાઈન વિશ્વાસઘાત ઠગાઈ કરતા બન્ને આરોપીઓ સામે નખત્રાણા પોલીસ મથકે આઈપીસી કલમ ૪૬પ, ૪૬૮, ૪૧૭, ૪૦૬, ૪ર૦, ૧ર૦(બી) તથા ઈન્ફોરમેશન એન્ડ ટેકનોલોજી એકટ કલમ ૬૬ વિગેરે હેઠળ ગુનો નોંધી એસઓજીના સહાયક ફોજદાર ઈન્દ્રસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. આરોપીઓ કંપનીમાંથી મોબાઈલ ફોન, ઘડિયાલ, ગોગલ્સ, જેકેટ, જીન્સ ટીશર્ટ સહિતની ચીજવસ્તુઓ મંગાવી ધાલમેલ કરીને ઠગાઈ કરતા હતા.