નખત્રાણાના સાંયરા (યક્ષ)માં મિલકત બાબતે પરિવાર વચ્ચે તકરાર

પાઈપ ફેકટરીમાંથી યુવાને તેનો ભાગ માંગતા પિતરાઈ ભાઈ સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી : લાકડી – ધોકા સાથે ગાડીના કાચ તોડી કરાયું નુકશાન

નખત્રાણા : તાલુકાના સાંયરા યક્ષ ગામે વડીલો પાર્જીત મિલ્કતમાં ભાગ માટે પિતરાઈ ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં યુવાને મૃત પિતાની હયાતીમાં લીધેલ પાઈપ ફેકટરીમાં ભાગ માંગતા તેના અન્ય પિતરાઈ ભાઈ સહિત ત્રણ શખ્સોએ લાકડી – ધોકા સાથે ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની માલિકીની કારના કાચ તોડી પાડયા હતા. બનાવને પગલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કિશન રમેશચંદ્ર પંડયાએ તેના પિતરાઈ ભાઈ ભરત ચંદ્રકાન્ત પંડયા, ચંદ્રકાન્ત નાનાલાલ પંડયા અને દર્શન લાભુભાઈ ઉપાધ્યાય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પિતાની હયાતીમાં લીધેલી પાઈપની ફેકટરીમાં ફરિયાદીએ પોતાનો ભાગ હોવાનું જણાવી પોતાના હક્કની માંગણી કરી હતી. તેમજ આરોપીઓ હતભાગીના પિતા વિરૂદ્ધ અપશબ્દો બોલતા હોવાથી તેમણે પોતાના પિતા વિશે શા માટે અપશબ્દો બોલી રહ્યા છો તેવું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ધાક – ધમકી કરી હતી. લાકડી ધોકા વડે ફરિયાદીની માલિકીની જી.જે.૧૭.એન.૩૬૭૦ નંબરની કારના કાચ તોડી પાડી નુકશાન કરાયું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાતા નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.