નખત્રાણાના રોહામાં પવનચક્કીની વિજલાઈન બે ઢેલ માટે બની મોતનું કારણ

રાષ્ટ્રીય પક્ષીના મોત બાદ મલાજો પણ ન જળવાયો : વનતંત્ર કોઈપણ પ્રકારનુ પંચનામુ કે રોજકામ કર્યા વિના મૃતદેહો લઈ ગયું

નખત્રાણા : તાલુકામાં ફરી એક વખત વિજલાઈને પક્ષીઓનો ભોગ લીધો છે. પવનચક્કીની વીજલાઈનમાં શોર્ટ સર્કિટના કારણે ફસાઈ જતા બે ઢેલને કાળ આંબી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે રોહા ગામતળ પાસેથી પસાર થતી સુજલોન કંપનીની વિજલાઈનમાં શોર્ટ સર્કિટના કારણે બે ઢેલનું મોત થયું હતું. બનાવને પગલે આસપાસમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સરપંચ પતિ અનવરભાઈને જાણ કરાઈ હતી. અને વનવિભાગને જણાવવા કહ્યું હતું. પરંતુ અનવરે વનવિભાગને જાણ ન કરતા છેવટે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. સાથે ઢેલના મૃતદેહો વિજપોલની ઉંચાઈએ ફસાયેલા હોવાથી વનવિભાગે સુજલોન કંપનીના કર્મચારીઓને જાણ કરવા કહ્યું હતું. વનવિભાગના વનપાલ વિક્રમ પટેલ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ વિજ કંપનીના કર્મચારીઓએ અગાઉની જેમ ત્રણ કલાકની રાહ જોવડાવ્યા બાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ઢેલના મૃતદેહોને ઉતારવાની કામગીરી કરાઈ હતી. જેમાં મૃતદેહોને કોઈ માન સન્માન આપ્યા વગર વાયરમાંથી નીચે પાડી દેવામાં આવ્યા હતા. ઢેલના મૃતદેહ વિજલાઈનમાંથી કાઢ્યા બાદ રેન્જ ફોરેસ્ટનો ફોન આવતા કર્મચારીઓ મૃતદેહોને સાથે લઈ જવા માટે કહ્યું હતું. બનાવને પગલે સરપંચ અને તલાટીને પંચનામા માટે બોલાવતા અગાઉની જેમ તેઓ હાજર રહ્યા ન હતા. તો વનતંત્રના જવાબદારો મૃત ઢેલોને સિમેન્ટના કોથળામાં ભરી કોઈપણ પ્રકારનુ પંચનામુ કે રોજકામ કર્યા વગર નિકળી ગયા હતા. ત્યારે રાષ્ટ્રીય પક્ષીના મોતને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી.