નખત્રાણાના રતડિયા ફાટક પાસે એસટી અને ટ્રક અથડાતા બન્નેના ચાલકોનું મોત

એસટીમાં સવાર આઠેક મુસાફરોને પહોંચી નાની મોટી ઈજાઓ : હિંમતનગરથી માતાના મઢ જતી એસટીની બસને વહેલી પરોઢે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં નડ્યો અકસ્માત : ભુજ તરફ આવતી ટ્રક અને એસટી બસ ધડાકાભેર અથડાતા સર્જાયો ગોજારો અકસ્માત

નખત્રાણા : તાલુકાના રતડિયા ફાટક નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી અને ટ્રક સામ સામે ભટકાતા બન્ને વાહનોના ચાલકોનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે એસટી બસના આઠેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે નખત્રાણા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા ઉપરાંત હતભાગી ચાલકોના મૃતદેહો પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર-માતાના મઢ રૂટની બસ નખત્રાણા વટાવીને માતાના મઢ તરફ જઈ રહી હતી. તે દરમિયાન નખત્રાણાના રતડિયા ફાટક પાસે સામેથી આવતી ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી. વહેલી પરોઢે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. એસટી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલી ટક્કરમાં હિંમતનગર-માતાના મઢ રૂટની એસટી બસના ચાલક જશવંતસિંહ કેસરીસિંહ ઝાલા (ઉ.વ. ૪૪)ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત થયું હતું, જ્યારે ટ્રક ચાલક તો ટ્રક ચાલક મોમાયમોરાના પબા હમીર રબારીનું મોત નિપજ્યું હતું. બનાવમાં એસટીમાં સવાર આઠેક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ અને ૧૦૮ની ટીમને જાણ કરાતા નખત્રાણા પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. વહેલી પરોઢે પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યારે હતભાગીઓના મૃતદેહને નખત્રાણા સીએચસીમાં પીએમ માટે ખસેડી વિધિવત ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.