નખત્રાણાના મોરાય પાસે હિટ એન્ડ રન : બાઈકનું ચાલકનું મોત

શેરડીથી માતાનામઢ જતા બાઈક ચાલકને કાળ આંબી ગયો : તરૂણ ઘવાયો

નખત્રાણા : તાલુકાના હાજીપીર ફાટકથી આગળ મોરાય ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈને પાછળથી ટક્કર મારતા માંડવી તાલુકાના શેરડી ગામના અને માતાનામઢે દર્શનાર્થે જતા યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ વહેલી પરોઢના પ.૧પ કલાકે મોરાય ગામ પાસે બન્યો હતો. શેરડી ગામે રહેતા ધીરજભાઈ લધુભાઈ સંઘાર (ઉ.વ.રપ) તથા રમેશ મેઘરાજ સંઘાર (ઉ.વ.૧પ) બન્ને જણા મોટર સાયકલ નંબર જી.જે.૧ર ડી.ડી. ૯પ૯૭ ઉપર શેરડીથી માતાનામઢ દર્શનાર્થે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારીને રોડ પર ફંગોળી દીધી હતી અને વાહનનું વ્હીલ ધીરજના માથા ઉપર ફરી વળતા ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. જ્યારે રમેશને ઓછીવત્તી ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. નખત્રાણા પોલીસે શેરડી ગામના શિવજી અભ્રામભાઈ સંઘારની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવીએ તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ વસંતભાઈ જોષીએ જણાવ્યું હતું.