નખત્રાણાના મોટી વિરાણીમાં પવનચક્કી કંપનીની દાદાગીરી : લઘુ મહંત પર કરાયો હુમલો

ઘટનાને પગલે અબડાસાના ધારાસભ્ય, સંતો, ખેડૂતો, ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા પોલીસ મથકે : કંપની દ્વારા મહંત પર કરાયેલો હુમલા નહીં સાંખી લેવાય તેવી લોકોની ચિમકી : નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવા હાથ ધરાઈ તજવીજ

(ક્રાઈમ પ્રતિનિધિ)નખત્રાણા : કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ વાયરો પસાર કરવા માટે ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખેડૂતો દ્વારા કંપનીઓનો વિરોધ કરાઈ રહયો છે તેમ છતાં ખેડૂતોનો અવાજ દબાવી તેમની માંગો અવગણીને કંપનીઓ દ્વારા દાદાગીરી પૂર્વક કામગીરી કરાઈ રહી છે. તેવામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ગામ એવા મોટી વિરાણીમાં રવિભાણ આશ્રમના લઘુ મહંત સરયુદાસજી બાપુ પર હુમલો કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતો લાલઘૂમ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના મોટી વીરાણીમાં સનપાવર કંપની સામે કિસાન સંઘના આગેવાનો તેમજ
ગ્રામજનો ખફા થયા છે. કંપની દ્વારા ગામમાં રામવાડી વિસ્તારમાં પાથરવામાં આવતી વીજ લાઈન બાબતે સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી વિરાણી રવિભાણ આશ્રમના લઘુ મહંત સરયુદાસજી બાપુની આગેવાનીમાં કંપનીનો વિરોધ નોંધાવાયો હતો. જેમાં કંપનીના જવાબદારોએ લઘુ મહંતના જડબા પર માર મારીને હુમલો કરતા મામલો ગરમાયો હતો. સંત પર થયેલા હુમલાને પગલે ગ્રામજનો અને કિસાનોની લાગણી દુભાઈ હતી. જેને કારણે મોટી સંખ્યામાં કિસાનો અને ગ્રામજનો નખત્રાણા પોલીસ મથકે ધસી આવ્યા હતા અને કંપનીઓ દ્વારા ચલાવાતી દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમ્યાન અબડાસાના ધારાસભ્ય અને મોટી વિરાણીના જ વતની પ્રદ્યુમનસિંહ જાડેજા, કાનજી દાદા કાપડી સહિતના આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. નખત્રાણા વિભાગના ડીવાયએસપી વી. એન. યાદવને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કાનજી દાદા કાપડીએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સંત ઉપર થયેલા હુમલાને નિંદનીય ગણાવ્યો હતો અને કસૂરવારો સામે સખ્ત પગલા લેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.બનાવને પગલે નખત્રાણા વિભાગના ડીવાયએસપી વી. એન. યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પવનચક્કી કંપની અને સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં લઘુ મહંતને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે જેને પગલે મહંતની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પંથકના ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું. તો સાંગનારા પંથકમાં પણ ગ્રામજનો પવનચક્કીની વીજ કંપનીઓનો વિરોધ નોંધાવી રહ્યા છે. કિસાનો અને ગ્રામજનોના હરહંમેશ આક્ષેપ રહેતા હોય છે કે, કંપની દ્વારા તંત્ર અને પોલીસની રહેમ રાહે દાદાગીરી કરાઈ હોય છે. કેટલીક વખત તો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આવીને બળજબરી પૂર્વક કિસાનોના ખેતરોમાંથી વીજરેસા પસાર કરવા માટે પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોનો અવાજ દબાવી તેમના પર કરાતા અન્યાય અંગે તટસ્થ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.