નખત્રાણાના મુરૂ નજીક ડમ્પર-ટ્રક ભટકાતા આગ : એક જીવતો ભુંજાયો

હાજીપીર તરફ જતા કપચી ભરેલા ડમ્પર સામે મીઠું ભરેલ ટ્રક ભટકાતા બન્યો કરૂણ બનાવ : નખત્રાણા પોલીસે ભુજ ફાયર બ્રિગેડને બોલાવી વાહનોમાં લાગેલી આગ પર મેળવ્યો કાબુ : ગોઝારા બનાવમાં કુનરિયાના યુવાનનું નિપજયું મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)નખત્રાણા : તાલુકાના મુરૂ નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી હતી, જેમાં ડમ્પર ચાલક કુનરિયાના યુવાનનું કરૂણ મોત નિપજયું હતું. કપચી ભરેલ ડમ્પર અને મીઠું ભરેલ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ કરૂણ બનાવ સર્જાયો હતો. બનાવને પગલે નખત્રાણા પોલીસે ભુજથી ફાયર બ્રિગેડ બોલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ અંગે ફરિયાદ નોંધવા નખત્રાણા પોલીસે તજવીજ હાથ ધરી છે.નખત્રાણા પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ રાત્રીના બે વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવેલા બનાવમાં ટ્રક અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. નખત્રાણા પોલીસ મથકે ગોયલામાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ છાંગાએ આપેલી વિગતને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના કુનરિયા ગામે રહેતા તેમના સાળા હરિભાઈ લક્ષ્મણભાઈ (ઉ.વ.૪૭) વાળો પોતાના કબજાના જીજે૧ર.એ.ડબલ્યુ ૯૯૪૯ નંબરનો ડમ્પર લઈને જતો હતો. ડમ્પરમાં કપચી ભરીને હાજીપીર તરફ ખાલી કરવા જતો હતો. દરમ્યાન મુરૂ ગામ નજીક હાજીપીર તરફથી મીઠું ભરેલી ટ્રક જીજે.૧ર.એ.ટી. ૭પ૮પ વાળી આવતા બન્ને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે નખત્રાણા પોલીસે મધરાત્રે ભુજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગના આ બનાવમાં કુનરિયામાં રહેતા હરીભાઈ લક્ષ્મણભાઈનું જીવતા ભુંજાઈ જવાથી મોત નિપજયું હતું. બનાવને પગલે નખત્રાણા પોલીસ મથકના પીએસઆઈ શ્રી ખાંભરે આગળની તપાસ હાથ ધરી છે.