નખત્રાણાના ચાવડકા સીમાડામાં શોટસર્કિટના કારણે આગ લાગી

ગ્રામજનોની મહામહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો

નખત્રાણા: તાલુકાના ચાવડકા ગામના સીમાડામાં વીજલાઈનમાં શોટ સર્કિટ થવાના કારણે અકસ્માતે આગ લાગતાં નુકસાન થયું છે. ગ્રામજનોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ચાવડકા ગામના યુવાન ખેડૂત અગ્રણી વાઘજીભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, સવારના ભાગમાં ડેમ પાસે આવેલી નહેરના વિસ્તારમાં શોર્ટસર્કિટ થવાના કારણે તેમજ પવનના કારણે આગ ફેલાતા નજીકમાં આવેલા વેલુભા વિજયરાજજી જાડેજાના ખેતરમાં ઉભેલા, એરંડાના પાકને સામાન્ય નુકસાન થયું છે. સ્થળ પર હાજર રહેલા ખેડૂતોએ ગામ લોકોને તુરંત જાણ કરતા ભીમભા આસાજી, કલુભા વેલાજી, જશવંતસિંહ ગાભુભા, વાઘજીભાઈ મહેન્દ્રસિંહ સહિત લોકોએ હાથવગા સાધન તરીકે ટ્રેકટર, લોડર તેમજ અન્ય સાધનો લઈને સ્થળ પર ધસી જઈને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા. અને આગ પર ગામ લોકોએ જાતે કાબૂ મેળવી લીધો હતો. જાે સમયસર જાણ ન થઈ હોત તો આજુબાજુના વિસ્તારમાં ૨૦૦ એકર જેટલા વિસ્તારમાં ઘઉં અને રાયડો બળીને રાખ થઈ ગયા હોત. આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થઇ જતાં, ગામના યુવાનોએ તરત જ સ્થળ પર ધસી જઈને વધુ નુકસાન થતાં અટકાવ્યા હતા.
યુવા અગ્રણી વાઘજીભાઈ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અવાર નવાર શોટ સર્કિટના બનાવો બનતા હોય છે. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા સમયાંતરે જાે સમારકામ કરવામાં આવે તો દુર્ઘટનાઓને ટાળી શકાય. નખત્રાણાના સીમાડા વિસ્તારમાં આગ લાગવાના બનાવ દિવસેને દિવસે વધતા જાય છે.ત્યારે આ બાબતે તકેદારી રાખવામાં આવે તે ખાસ જરૂરી છે.