નખત્રાણાના ચાવડકામાં પવનચક્કી કંપનીના કર્મચારીઓનું કરાયું અપહરણ

કંપનીઓ પાસેથી બળજબરી પૂર્વક નાણા કઢાવવા પવનચક્કીના મશીનો બંધ કરાવી કરાઈ દાદાગીરી : નખત્રાણા પોલીસ મથકે ચાવડકાના ચાર શખ્સો સામે નોંધાયો ગુનો

નખત્રાણા : તાલુકાના ચાવડકા ગામે સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓને કારણે વધુ એક બબાલ સર્જાઈ છે. જો કે, આ કિસ્સામાં પવનચક્કી કંપનીના કર્મચારીઓનું ગેરકાયદેસર રીતે અપહરણ કરી મશીનો બંધ કરીને દાદાગીરી કરાઈ હતી. આ અંગે નખત્રાણા પોલીસ મથકે ચાવડકા ગામના ચાર શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા શેરવભાઈ જગદીશભાઈ પટેલે ચાવડકા ગામના ડુંગરસિંહ કાળુભા જાડેજા, અરવિંદસિંહ સુરતાનસિંહ જાડેજા, વેસલજી કાળુભા જાડેજા અને સ્વરૂપસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પવનચક્કીની કંપનીઓ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા માટે ફરિયાદી અને સાહેદોની ગેરકાયદેસર રીતે અટકાયત કરી હતી. તેમજ ગમેસા કંપનીના કર્મચારીઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. પવનચક્કીના મશીનો બંધ કરાવીને ધાક ધમકી કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બનાવને પગલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાતા પીઆઈ શ્રી ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.