નખત્રાણાના ગોધિયારમાં દાઝી ગયેલા વૃદ્ધાનું મૃત્યુ

એસીડ પી જનાર આદિપુરના યુવાને સારવાર દરમિયાન તોડ્યો દમ

ભુજ : કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં એક વૃદ્ધા અને એક યુવાનનું મોત નિપજ્યું હતું. નખત્રાણાના મોટી ગોધિયારના વૃદ્ધ દાઝી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે આદિપુરના યુવાને એસીડ ગટગટાવતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે રહેતા ૮ર વર્ષિય અંબુબા ચમજી સોઢાનું મોત નિપજ્યું હતું. હતભાગી ચુલા ઉપર લાકડા સળગાવવા કેરોસીન નાખતા હતા ત્યારે ભડકો થતા દાઝી ગયા હતા. હતભાગીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે નિરોણા પોલીસે અકસ્માત-મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો આ તરફ આદિપુરના ચારવાળી વિસ્તારમાં રહેતા ભાવેશ ધમેન્દ્રભાઈ ચારલિયા ર૧ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર એસીડ ગટગટાવ્યું હતું. ભોગગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નીવડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.