નખત્રાણાના ગંગોણમાં કુવામાંથી યુવાનની લાશ મળી

નખત્રાણા : તાલુકાના ગંગોણ ગામે સીમ વિસ્તારમાં અવાવરૂ કુવામાંથી અજાણ્યા પુરૂષનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. ગામના સરપંચ વિભાભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે કુવા નજીકથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે ભુજ ફાયર બ્રિગેડને બોલાવીને તપાસ કરતા કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી હતી. લાશની ઓળખ થઈ શકી નથી. ગામની કોઈ વ્યકિતની લાશ નથી. જોકે, પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નારણસરીમાં અંતે ૧.૮પ લાખની લૂંટ અંગે ફરિયાદ

ભચાઉ : તાલુકાના નારણસરીમાં મુંબઈગરા પરિવાર સાથે થયેલી લૂંટના બનાવમાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અરવિંદભાઈ ગણેશાભાઈ સાંઢા (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ બે બુકાનીધારી શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકને બાંધીને તીક્ષ્ણ હથિયાર બતાવીને ૧.ર૦ લાખનું મંગળસુત્ર, પપ હજારનો હાર અને રોકડા રૂા.૧૦ હજાર મળી કુલ ૧.૮પ લાખની લૂંટ કરી ગયા હતા.

અંજારના વીરામાં શિવલિંગ અને સમાધિ તોડી પડાયા

અંજાર : તાલુકાના વીરા ગામે દશનામ ગોસ્વામી સમાજના વડીલોની સમાધિને નુકશાન પહોંચાડી શિવલિંગ તોડી પડાતા ધાર્મિક લાગણી દુભાઈ હતી. બનાવને પગલે રાજેશગીરી નરશીગીરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી. કોઈ અજાણ્યા ઈશમોએ મંદિરની ઝાડીના નકુચા તોડીને બનાવને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદને આધારે તપાસ હાથ ધરાઈ છે.

અબડાસાના વીગાબેરમાં લગ્ન જાહેરનામા ભંગનો કેસ

નલિયા : અબડાસા તાલુકાના વીગાબેરમાં કોરોના કાળ વચ્ચે લગ્ન પ્રસંગે રાસ-ગરબાનો કાર્યક્રમ રખાતા વરરાજાના પિતા અને સાઉન્ડ સિસ્ટમના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. જખૌ પોલીસની ટીમે કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યા શબબ વરરજાના પિતા દિલુભા ખેંગારજી સરવૈયા આને સાઉન્ડ સિસ્ટમના સંચાલક શાંતિલાલ મોહનલાલ પટ્ટણી વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.