નખત્રાણાના ખોંભડીમાં સરદાર પટેલની પ્રતીમા તોડી પડાતા સ્થાનિકોની લાગણી દુભાઈ


નખત્રાણા : તાલુકાના ખોંભડી ગામે સરદાર પટેલની પ્રતીમાને અસામાજિક તત્વોએ તોડી પાડતા સ્થાનિકોની લાગણીને ઠેસ પહોંચી છે. બનાવને પગલે ગામના સરપંચ દ્વારા નખત્રાણા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ છે. ખોંભડીના સરપંચ દિલીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગામમાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમા આવેલી છે. ગામની ભાગોળે તળાવની પાળ પર બનાવાયેલી પ્રતીમાને અસામાજિક તત્વોએ તોડી પાડી છે. સરદાર પટેલની પ્રતીમાના મોઢામાં નુકશાને પહોચાડાયુ છે. અસામાજિક તત્વોએ નાક અને હોઠ તોડી પાડતા સ્થાનિકોની લાગણી દુભાઈ છે. બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.