બેથી ત્રણ દિવસથી ડૂબેલી લાશ મળતા નખત્રાણા પોલીસે હાથ ધરી તપાસ

નખત્રાણા : તાલુકાના આણંદસર અને રાણારા ગામની વચ્ચેથી પસાર થતી ભડલી ગંગાજીવાળી નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બનાવને પગલે નખત્રાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાનાં આણંદસર અને રાણારા ગામ વચ્ચેની નદીમાંથી કોઈ અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. બનાવ અંગે ભડલી ગામના સરપંચ ગુલામ મકવાણાએ જણાવ્યું હતું કે, ભડલી ગંગાજીવાળી નદીમાં રાણારા નજીક બંધ બનાવેલો છે. તેની બાજુમાં નદીના પાણીમાં તરતી લાશ જોવા મળી હતી. નદી પટની બાજુમાં વાડી ધરાવતા એક જાગૃત નાગરિકે સામાજીક આગેવાનોને બનાવની જાણ કરી હતી. બાદમાં નખત્રાણા પોલીસને પણ લાશ મળી હોવાની જાણ કરાતા નખત્રાણા પોલીસે ઘટના સ્થળે ધસી જઈને તપાસ આદરી હતી. સુત્રોનું માનીએ તો બેથી ત્રણ દિવસ સુધી લાશ પાણીમાં પડી હોવાથી ફૂલી ગઈ હતી અને આસપાસમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી. પોલીસે મૃતદેહને નખત્રાણા સીએચસીમાં પીએમ માટે ખસેડીને મૃતકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.