ધ્રોલ ત્રિકોણ બાગ પાસે ટેન્કર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતઃ ખેડૂત-મજૂરનું મોત

(જી.એન.એસ.)જામનગર,જામનગરના ધ્રોલ ત્રિકોણ બાગ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ખેતરેથી ચણા ભરીને માર્કેટિંગ યાર્ડ જઇ રહેલા ખેડૂત અને મજુરનું મોત નીપજ્યું છે. બનાવના પગલે લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે ધ્રોલ તાલુકાના દેડકદડના ખેડૂત ભૂપત વડોદરિયા વાડીના મજૂર મગનભાઈ બંદેલ સાથે ખેતરેથી ચણા ભરેલું ટ્રેક્ટર લઇને ધ્રોલ માર્કેટિંગ યાર્ડ જઇ રહ્યાં હતા.જે દરમિયાન ધ્રોલ ત્રિકોણ બાગ પાસે પૂરઝડપે આવતું ટેન્કરે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના પગલે ટ્રેક્ટર ફૂટપાથ પર ચડી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર ખેડૂત અને મજૂર બન્ને ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતક ભૂપત વડોદરિયાના ભાઈએ ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.