ધો.૧૨ સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા ૨૮ જુલાઇથી યોજાશે

(જી.એન.એસ.)ગાંધીનગર,ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ધોરણ ૧૨ સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે. પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ ૨૮ જુલાઇથી ૩૦ જુલાઇ દરમ્યાન યોજાશે.ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે સરકારના આદેશથી ૧૯મી માર્ચથી રાજ્યના અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન શહેરોમાં સ્કૂલો કોલેજો બંધ કરી દેવાઈ હતી અને જેના પગલે ૩૦મી માર્ચથી બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાનારી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ શહેરોમાં મોકુફ કરી દેવાઈ હતી. ત્યાર બાદ સરકારે નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે. જેથી હવે નિયમિત વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પણ થનાર નથી અને આ વિદ્યાર્થીઓને નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ પરિણામ મળનાર છે.