ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા અંગે વૈકલ્પીક નિર્ણય લેવાઈ શકે છેઃ સૂત્ર

(જી.એન.એસ)ગાંધીનગર,રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વકરેલી હોવાથી આગામી મે મહિનામાં શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તારીખો અંગે બોર્ડ દ્વારા પુનઃ વિચારણા કરાય તેવું ચર્ચાઈ રહ્યું છે. રાજ્યભરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો નહીં આવે તો બોર્ડની પરીક્ષાને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓની તારીખ અગાઉ જાહેર કરવામાં આવી હતી. GSEB બોર્ડના નિયત કાર્યક્રમ મુજબ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ આગામી ૧૦થી ૨૫ મે દરમિયાન લેવામાં આવનાર છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહેર-જિલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.કોરોનાની વકરેલી પરિસ્થિતિને કારણે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મુંઝવણમાં મુકાયાં છે. કોરોનાના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મોકલી વાલીઓ જોખમ લેવા રાજી નથી. બીજી તરફ, જો રાજ્યમાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો ના થયો તો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઅની તારીખો અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે.રાજ્યભરમાં કોરોના વાઇરસના વધતા જતા કેસો અંકુશમાં આવે નહીં તો બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. કારણકે જીએસઇબી બોર્ડ દ્વારા આઠ મહાનગરપાલિકાના ૮૪૭ કેન્દ્રોમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય તાજેતરમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તે જરૂરી છે.ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફારની બોગસ યાદી સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ વાઇરલ કરવામાં આવી હતી. જોકે, બોર્ડ દ્વારા તે સમયે પરીક્ષાઓ આગામી ૧૦થી ૨૫ મે મહિના દરમિયાન લેવાશે તેવો ખુલાસો પણ જાહેર કરવામાં આવ્યો હતો.જીએસઇબી બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાઓ આગામી મે મહિનામાં છે. હાલ પરીક્ષા રદ કે પાછી ઠેલાઈ તેવો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ કોરોનાની સ્થિતિ જોત બોર્ડ વૈકલ્પીક નિર્ણય લઈ શકે તેવું ગુજરાત બોર્ડના સૂત્રો પાસે જાણવા મળ્યું છે.