ધો.૧૦માં માસ પ્રમોશનથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની હાલત અભિમન્યુ જેવી

ધો.૧૧માં પ્રવેશ તો મેળવી લેશે, પણ આગળ વધવા સાત કોઠા વીંધવા પડશે : કારકિર્દી ઘડતર માટે મહત્ત્વના મનાતા ધો.૧૦ બાદ વિદ્યાર્થીઓ આટ્‌ર્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં મેળવે છે પ્રવેશ : ધો.૧૦ તો ઘરે બેઠા પાસ કરી લીધું, પણ ધો.૧૧માં કોમર્સ કે સાયન્સ રાખે તો સ્કૂલ – ટ્યુશનનું શિક્ષણ રહે જરૂરી : પોતાના સંતાનની રગરગ જાણતા વાલીઓ ફેકલ્ટી પસંંદગી બાબતે બન્યા ચિંતાતુર

ભુજ : રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે આ વર્ષે ધો.૧૦ બોર્ડના ૧૩ લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત માસ પ્રમોશનથી ઉત્તીર્ણ થઈ ધો.૧૧માં પ્રવેશ્યા છે. જાેકે, વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. કારણ કે, મહત્ત્વનું મનાતું ધો.૧૦ વિદ્યાર્થીઓએ ઘરે રહી પરીક્ષા દીધા વગર પાસ કરી લીધું, પણ કારકિર્દી ઘડતર માટે મહત્ત્વના મનાતા શૈક્ષણિક વર્ષો હવે શરૂ થયા છે. આટ્‌ર્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી છાત્રો પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા અભ્યાસ કરશે, પણ પરીક્ષા દીધા વગર પાસ થયા હોવાની ધો.૧૧નું શિક્ષણ પાર કરવું તેમના માટે આસાન નહીં રહેે.

ધો.૧૦માં માસ પ્રમોશનથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની હાલત અભિમન્યુ જેવી થઈ છે. જેમ મહાભારતમાં અભિમન્યુને ચક્રવ્યહુમાં જતા તો આવડતું હતું, પણ બહાર કેમ નીકળવું તે જાણતો ન હતોે. તેવી જ રીતે હાલમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓ ધો.૧૧માં પ્રવેશ મેળવી ચૂક્યા છે, પણ ધો.૧૧માં પ્રવેશ મેળવ્યા બાદ કોમર્સ અને સાયન્સના ક્ષેત્રમાં શાળા અને ટ્યુશન વગર કઈ રીતે આગળ વધવું તે તેમના માટે સાત કોઠા વિંધવા સમાન છે. હાલમાં બીજી લહેર પૂરી થઈ નથી ત્યાં ત્રીજા લહેરના ભણકારા છે ત્યારે હજુ પણ રાજ્યમાં શાળાઓ – ટ્યુશનો ખૂલશે કે કેમ ? તેની કોઈ નિશ્ચિતતા નથી. આવા સંજાેગોમાં જાે બાળકો કોમર્સ કે સાયન્સ ફેકલ્ટી પસંદ કરે તો ઘરે રહીને ઓનલાઈન શિક્ષણમાં કોમર્સના એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર જેવા ગાણિતિક વિષયો તેમજ સાયન્સમાં કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી, મેથ્સ જેવા કઠિન વિષયોમાં કેવી રીતે અભ્યાસ કરી ઉત્તીર્ણ થવું તે ચિંતાનો સવાલ બની રહેશે. આ વિષયો એવા છે, જેમાં વિદ્યાર્થીઓ પ્રથમ વખત અભ્યાસ કરતા હોવાથી શાળામાં શિક્ષકની સમજાવટ, ટ્યુશનમાં તેનું પુનરાવર્તન, ઘરે રહીને પ્રેક્ટિસ થાય તો જ આ વિષયોમાં સમજણ મળે તેમ છે. ધો.૧૧ તો આ વિષયોને સમજવામાં જ પસાર થઈ જાય છે. ખરી કસોટી ધો.૧રમાં આવે છે. હાલ તો વાલીઓ પણ અસમંજસતામાં છે. કારણ કે, ફેકલ્ટી પસંદ કર્યા બાદ યોગ્ય માર્ગદર્શનના અભાવે તે તેમાં આગળ વધી શકશે કે કેમ ? તેની ચિંતા છે. લોકો કહે છે આટ્‌ર્સ સહેલું છે, પણ તેમાં થિયરીકલ વિષયો વધુ હોવાથી વધુ વાંચન કરવું પડે છે. કોમર્સમાં આંકડાશાસ્ત્રની સાથે થિયરીકલ વિષયો પણ છે. સાયન્સમાં પ્રેક્ટિકલ, થિયરીકલ વિષયો વધુ હોવાથી માસ પ્રમોશન મેળવેલ છાત્ર આ કઠિન વિષયોમાં કેવી રીતે નિષ્ણાત બનશે તેવો સવાલ સતાવી રહ્યો છે.