ધુળેટીથી કચ્છ એક્સપ્રેસને મળશે એલએચબી કોચની ભેટ

સયાજીનગરીમાં પણ એકાદ માસ બાદ લાગી જશે અત્યાધુનિક ડબ્બા : કચ્છ પ્રવાસી સંઘની રજૂઆત ફળી

ભુજ : કચ્છ-મુંબઈ વચ્ચે ધંધાકીય તેમજ પારિવારીક સંબંધનો લોકોનો નાતો હોઈ દૈનિક હજારો લોકો ટ્રેન મારફતે પરિવહન કરે છે. રેલ પ્રવાસીઓને સારી સુવિધા મળે તે માટે સતત સગવડોમાં પણ વધારો કરાઈ રહ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા વધે તેમજ આરામદાયક મુસાફરી થાય તે માટે બન્ને મુખ્ય ટ્રેનોના એલએચબી કોચ મંજૂર થયા છે ત્યારે કચ્છ એક્સપ્રેસને ધુળેટીથી નવા આધુનિક ડબ્બાની ભેટ મળશે. કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું કે, કચ્છની ટ્રેનોના કોચ અંગે વર્ષોથી અનેક ફરિયાદો સંસ્થાને મળી હતી. આ અંગે રેલવેના સત્તાધિશો સાથે પત્ર વ્યવહાર કરાતા બે વર્ષ પહેલા કચ્છની ટ્રેનોમાં એલએચબી (લિંગહોકમસ બુસ) કોચ લગાવવાની મંજૂરી મળી હતી, પરંતુ કોઈ કારણસર કોચ લગાવવામાં વિલંબ થયેલ. ગત સપ્તાહે મુંબઈ ચર્ચગેટ ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલનું આ અંગે ધ્યાન દોર્યું હતું. રજૂઆતને પગલે ર૯/૩ એટલે કે, ધુળેટીથી કચ્છ એક્સપ્રેસ ૦૯૪પપ/પ૬માં એલએચબી કોચ જોડવામાં આવશે. એકાદ માસ બાદ સયાજીનગરી એક્સપ્રેસ ૦૯૧૧પ/૧૬માં પણ એલએચબી કોચ લાગશે.વધુમાં તેમણે કહ્યું કે, એસી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એલએચબી કોચ લાગી ગયા છે. રેલવે તંત્ર દ્વારા જે ટ્રેનોમાં પેન્ટ્રીકાર હોય અથવા જેની સ્પીડ ૧૩૦ કિ.મી. પ્રતિ કલાકની હોય તે ટ્રેનોમાં એલએચબી કોચને પ્રાધાન્ય આપવામાં આવે છે.