ધારાસભ્યને શહેરની ચિંતા હોય તો લોકડાઉન દરમ્યાન લોકોને પાંચ હજારની સહાય અપાવે

નગરપાલિકાના પ્રમુખ વેરા માફ કરાવે : હિન્દુસ્તાન નિર્માણ દળે સખ્ત શબ્દોમાં લોકડાઉનનો વિરોધ કરી આવેદન પાઠવ્યું

ગાંધીધામ : શહેરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહું છે, તેવામાં કાલથી ત્રણ દિવસ સુધી ભુજમાં સ્વૈચ્છીક લોકડાઉન લગાવાયું છે, જો કે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા આ સંદર્ભે કલેકટરને રજૂઆત કરાઈ હતી જે પ્રમાણે ત્રણ દિવસનું લોકડાઉન કરી કચ્છના ચૂંટાયેલા નેતાઓએ સરકારમાં સારૂં લગાડવા ભુજની પ્રજા પર લોકડાઉન ઠોકી બેસાડ્યું છે. જો ખરેખર ચૂંટાયેલા નેતાઓને પ્રજાના આરોગ્યની ચિંતા હોય તો જી.કે.માં કોરોનાના દર્દીઓની સારી સારવાર કરાવવામાં આવે, લોકડાઉન કોરોનાને મ્હાત આપવાનો ઉપાય નથી, લોકડાઉનથી નાના વેપારી, મધ્યમવર્ગના લોકોની શું હાલત થશે ? એ વિચાર ચૂંટાયેલા નેતાઓએ કર્યો છે ? રોજનું કમાઈ, રોજનું અનાજ લઈ પરિવારનો ચૂલો ચલાવતા લોકોનું આર્થિક તંત્ર નબળું કરવાનું કામ ચૂંટાયેલા નેતાઓએ કર્યું છે. આવેદનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ધારાસભ્યને ભુજના લોકોની ચિંતા હોય તો સરકાર પાસે આ ત્રણ દિવસના લોકડાઉન દરમ્યાન લોકોને રોકડા રૂપિયા પ હજારની સહાયની જાહેરાત કરાવે. શહેરની કોઈ એક વેપારી સંસ્થાના ઈશારે લોકડાઉન કરવું અમાનવીય વર્તન છે. સરકારે રાત્રી કર્ફ્યું તો લગાવ્યો છે, તેમાં આ ત્રિ-દિવસીય લોકડાઉન સામ, દામ, દંડ, ભેદથી થોપવાનું બંધ તેવી માંગ કરાઈ છે. ભુજ સુધરાઈને નગરજનોની ચિંતા હોય તો હાલ વેરા માફ કરવા જોઈએ, સરકાર પણ એક મહિનાનું લાઈટ બિલ માફ કરે તેવી માંગ કરાઈ છે. દળના કપીલ ચોથાણીએ ઈન્ટરવ્યું આપતા કહ્યું કે, એસી ચેમ્બરમાં બેસી નિર્ણય લેવા સહેલા છે. ફિલ્ડમાં જી.કે. જનરલમાં બે કલાક વિતાવો તો સાચી સ્થિતિનો ચિતાર મળે કલેકટર કચેરીએ આવેદન આપતી વખતે સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે આ સ્વૈચ્છીક લોકડાઉન છે.