ધારાવીમાં રૂા. ૧.૨૦ કરોડનું એમડી ડ્રગ્સ જપ્તઃ ત્રણની ધરપકડ

(જી.એન.એસ)મુંબઇ,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ધારાવી વિસ્તારમાંથી રૂ. ૧.૨૦ કરોડની કિંમતનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ પકડી પાડીને ત્રણ જણની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ મુંબઈ તથા ઉપનગરોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું તપાસમાં જણાયું હોઇ પોલીસ હવે આરોપીઓના સાથીદારોની શોધ ચલાવી રહી છે.એએનસીના ઘાટકોપર યુનિટે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિઝવાન રહેમત ખાન (૩૫), જબ્બાર અબ્દુલ સત્તાર ખાન (૩૫) અને ફકરૂલ્લા આમીર બાદશાહ શેખ (૩૬) તરીકે થઇ હોઇ તેઓ ધારાવી વિસ્તારમાં રહે છે. આરોપીઓને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
એએનસીના ઘાટકોપર યુનિટનો સ્ટાફ મંગળવારે ધારાવીના કુંચી-કોરવે નગર ખાતે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ૬૦ ફૂટ રોડ પર ઊભેલા ત્રણ શકમંદ પર તેમની નજર પડી હતી. આથી પોલીસની ટીમે ત્રણેયને તાબામાં લઇ પૂછપરછ કરતાં તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. દરમિયાન ત્રણેય પાસેની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.