ધાણેટી – કનૈયાબે વચ્ચે બે ટ્રક સામ સામે ભટકાતા બે ‘રમેશ’ના કરૂણ મોત

ગમખ્વાર અકસ્માતમાં અબડાસાના વાડાપદ્ધર અને ભુજના ભારાસરના બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો : અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના ધાણેટી – કનૈયાબે વચ્ચે બે ટ્રક સામ સામે ભટકાતા બે યુવાનોનું કરૂણ મોત નીપજ્યું હતું. યોગાનુયોગ બન્ને હતભાગીઓના નામ ‘રમેશ’ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધીને આગની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ધાણેટી અને કનૈયાબે વચ્ચે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બે ટ્રકો ધડાકાભેર સામ સામે ભટકાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પધ્ધર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ રાત્રે ધાણેટી – કનૈયાબે વચ્ચે બે ટ્રક સામ સામે ભટકાઈ હતી. જેમાં ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતા રમેશ ખમીશા કોલી (ઉ.વ.૪પ)નું કરૂણ મોત નિપજયું હતું. જયારે બીજી ટ્રકમાં સવાર રમેશ બુધ્ધા મહેશ્વરી (ઉ.વ.૩૦) (રહે. વાડાપધ્ધર, તા.અબડાસા)નું મોત નીપજયું હતું. જયારે તેની સાથેના નારણ હરી સીજુ (ઉ.વ.૩૪)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે બન્ને હતભાગી “રમેશ”ના મૃતદેહોને પીએમ માટે ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો હતો. બનાવને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.