ધનકુબેર રાજનેતાઓ સામે સુપ્રીમ લાલઘૂમ

નવી દિલ્હી : સંસદસભ્ય કે ધારાસભ્ય બન્યા બાદ નેતાઓની સંપત્તિમાં થઇ રહેલા બેહિસાબ વધારા પર સુપ્રિમ કોર્ટે લાલઆંખ કરી છે. ધારાસભ્ય કે સાંસદ બન્યા બાદ જે નેતાઓની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે  વૃધ્ધિ થઇ છે એ અંગે સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપતા આ બાબત પર  વિસ્તૃત રિપોર્ટ રજુ કરવા કહ્યુ છે. રિપોર્ટમાં કેન્દ્રએ એવુ જણાવવુ પડશે કે આ મામલામાં તેણે અત્યાર સુધી કયા પગલા લીધા છે કે તેની તપાસ કયા સુધી પહોંચી છે. અત્રે એ નોંધનીય છે કે આવા મામલામાં લગભગ ર૮૯ નેતાઓના નામ સામેલ છે અને તેમાં દરેક રાજકીય પક્ષના કોઇને કોઇ નેતા છે. કેટલાક મામલા તો એવા છે કે જેમાં નેતાઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં પ૦૦ ટકા વધી છે. નેતાઓની બે હિસાબ વધી રહેલી સંપત્તિ જ વિવાદનો વિષય રહ્યો છે પરંતુ આ બાબતે કેટલાક સાંસદોએ એવો તર્ક આપ્યો છે કે તેઓની
પ્રોપર્ટીનું મુલ્યાંકન વર્તમાન બજાર મુલ્યથી કરવામાં આવે છે આ સિવાય વેપારથી આવકના કારણે તેઓની સંપત્તિ વધી છે પરંતુ કોર્ટ ઇચ્છે છે કે દરેક સ્તર પર તપાસ થવી જોઇએ. જેનાથી સ્પષ્ટ થઇ શકે કે નેતાઓની આવકમાં થયેલી વૃધ્ધિ કાયદેસર છે કે નથી.જસ્ટીસ જે.ચેલામેશ્વર અને જસ્ટીસ એસ.અબ્દુલ નજીરની બેન્ચે કહ્યુ છે કે આ મામલામાં આવકના સ્ત્રોત જાણવા માટે તપાસ જરૂરી છે અને એ પણ શોધવુ જરૂરી છે કે પ્રોપર્ટીનું જે વિશ્લેષણ કરવામાં આવ્યુ છે તે કાનૂની રીતે કેટલુ યોગ્ય છે. આ મામલામાં સુપ્રિમ કોર્ટ એક એનજીઓની અરજી પર સુનાવણી કરી રહ્યુ છે. એનજીઓએ કોર્ટને અપીલ કરી છે કે ચૂંટણી દરમિયાન સોગંદનામામાં આવકનો સ્ત્રોતની કલમ ઉમેરવામાં કે જેથી ચૂંટણી લડતા ઉમેદવારોની આવકનો સ્ત્રોત જાણી શકાય.બે ચૂંટણીઓ વચ્ચે નેતાઓની સંપતિઓમાં બેહિસાબ વૃધ્ધીને લઇને કાર્યવાહી બાબતે માહિતી જાહેર નહી કરવાની કેન્દ્ર સરકારની ઇચ્છા પર કોર્ટે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવતા આ બારામાં જરૂરી માહીતી આપવા કહ્યુ છે. કોર્ટને જણાયુ છે કે બે ચૂંટણીઓ વચ્ચે કેટલાક નેતાઓની સંપત્તિમાં પ૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ખંડપીઠે કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતા પુછયુ છે કે શું સરકારના આવા સાંસદો કે ધારાસભ્યો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી છે કે નહી ? ચૂંટણી સોગંદનામુ અને ઇન્કમટેક્ષ રિટર્નમાં દર્શાવેલી વિગતો સાચી છે કે નહી ? ખંડપીઠે કહ્યુ છે કે એક તરફ સરકાર ચૂંટણીમાં સુધારાની વાત કરે છે તો તે નેતાઓ અંગે માહિતી જાહેર કરવા નથી માંગતી. ખંડપીઠે એડીશ્નલ સોલીસીટર જનરલને ૧રમી સપ્ટેમ્બર સુધીમાં નેતાઓની સંપત્તિમાં અફાટ વૃધ્ધિથી સંબંધિત આયકર વિભાગનો તપાસ રિપોર્ટ રજુ કરવા કહ્યુ છે. કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યુ છે કે સરકાર એવુ કહે છે કે તે કાર્યવાહી કરવા અને ચૂંટણી સુધારાના  પક્ષમાં છે. જો આવુ હોય તો તે પારદર્શીતા કેમ નથી રાખતી અને ધનવાન નેતાઓ વિરૂધ્ધ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે ?એનજીઓ લોકપ્રહરીએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે અને જેના આધારે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ જારી કરી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી જણાવાયુ હતુ કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી દેશના લોકતાંત્રિક માળખાનો અભિન્ન હિસ્સો છે અને આ બારામાં સુપ્રિમ કોર્ટના કોઇપણ નિર્દેશને તે આવકારશે. સરકારે કહ્યુ છે કે, અમે સ્વચ્છ ભારત અભિયાન ચલાવીએ છીએ અને જેના આ દાયરામાં આ ક્ષેત્ર પણ આવશે.