દોઢ લાખ કિલોના ભાવે વેચાતા મશરૂમના ઉત્પાદન માટે ભુજમાં તાલીમ શિબિર યોજાઈ

બે દિવસીય શિબિરમાં હર્બલ ઈન્ડસ્ટ્રીઝ, મેડિકલ ઓફિસર, માઈક્રો બાયલોજીના પ્રોફેસર, સિવિલ એન્જિનિયર, આર્કિટેક સહિતનાઓએ મશરૂમના ઉત્પાદન સંદર્ભે મેળવી માહિતી : હવે ઓગસ્ટ મહિનામાં બીજી શિબિરમાં અપાશે તાલીમ

ભુજ : ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી – ‘ગાઈડ’ ભુજએ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં ઉગતી ‘હિમાલયન ગોલ્ડ’ નામથી પ્રચલિત ઔષધીય મશરૂમની જાત કચ્છમાં ઉગાડી બતાવી છે જેનો બજાર ભાવ કીલોના લગભગ રૂ. દોઢ લાખ જેટલો છે ત્યારે આ મશરૂમનું જિલ્લામાં ઉત્પાદન વધારવા તાજેતરમાં બે દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી હતી. હવે પછી ઓગસ્ટ મહિનામાં પણ તાલીમ શિબિર યોજાશે.ગાઈડના ડાયરેક્ટર ડૉ. વી. વિજયકુમારે જણાવ્યું કે, કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની ઔષધીય મશરૂમ મેડિકલ માટે ઘણી ઉપયોગી છે. આ મશરૂમ કચ્છમાં ઉગાડવામાં સફળતા મળી છે, જેથી વધુ ઉત્પાદન થાય તે માટે ૧૦ અને ૧૧ જૂલાઈના તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ૧પ લોકો જોડાયા હતા. ખાસ તો માઈક્રો બાયલોજીના પ્રોફેસર, ત્રણ મેડિકલ ઓફિસર, કોર્પોરેટર અને હર્બલ ઈન્ડસ્ટ્રીઝ, સિવિલ એન્જિનિયર, આર્કિટેક સહિતના લોકો આ શિબિરમાં જોડાઈ મશરૂમના ઉત્પાદન અને મેડિકલ ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી. આ શિબિરની સફળતા પછી વધુ એક શિબિર યોજવાનું નક્કી કરાયું છે. હવે પછી ઓગસ્ટ મહિનામાં આ સંદર્ભે ટ્રેનિંગ આપવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, આ મશરૂમ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ તેમજ એન્ટી-કેન્સર તરીકે ખૂબ જ અકસીર છે.ઉપરાંત વીટામીન બી-૧ અને બી-૧૨ તેમજ અન્ય પ્રોટીનથી પણ સભર છે, તો મેલેરીયા તેમજ ડેન્ગ્યૂમાં પણ તે અસરકારક છે તેવું અગાઉના મેડિકલ રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે. આ મશરૂમ બ્રેસ્ટ કેન્સર વિરોધી તત્વો ધરાવે છે તે અંગે જરૂરી સંશોધન કરવા માટે નિરમા યુનિવર્સિટી સાથે સંકલનમાં રહી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાણીઓ પર કરાયેલા આ પરીક્ષણના પ્રાથમિક તારણો પરથી જાણવા મળી રહ્યું છે કે આ મશરૂમ બ્રેસ્ટ કેન્સરને નિયંત્રિત કે નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોમાં જ ઉગતી આ કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની મશરૂમની જાત કચ્છ જેવા ગરમ અને રણપ્રદેશમાં ઉગાડવી લગભગ અશક્ય હતી. જોકે, તેમાં સફળતા મળી છે.